જમ્મુના આર્મી કેમ્પ પર આતંકવાદીઓનો હૂમલો, 2 જવાન શહીદ, 3 ઘાયલ

જમ્મુ– જમ્મુ પઠાનકોટ માર્ગ પર સુંજુવાનમાં શનિવારે વહેલી સવારે આતંકવાદીઓએ સેનાના કેમ્પ પર હૂમલો કર્યો છે, જેમાં 2 જવાન શહીદ થયા છે. એક હવાલદાર અને તેની દીકરી સહિત 3 જણ ઘાયલ થયા છે. હૂમલાને 3થી 5 આતંકવાદીઓએ અંજામ આપ્યો હોવાની જાણકારી મળી રહી છે. જે કેમ્પની અંદર છુપાયેલા છે.રીપોર્ટ અનુસાર સેનાએ આ આતંકવાદીઓને ઘેરી લીધા છે. જ્યારે આખરી ઓપરેશનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ રહી છે, તેની સાથે પોલીસે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે, અને તેમાં ડ્રોનનો ઉપયોગ પણ કરાઈ રહ્યો છે. ઉધમપુર અને સરસાવાથી પેરાકમાન્ડોને જમ્મુ બોલાવાયા છે.

જમ્મુના આઈજી એસડી સિંહ જામવાલે જણાવ્યું હતું કે સવારે અંદાજે 4 વાગ્યેને 55 મિનીટ પર એક સિક્યુરિટી મેને સંદિગ્ધ હરકત જોઈ હતી. ત્યારે તે સિક્યુરિટીમેને ફાયરિંગ પણ કર્યું હતું. તો સામે છેડેથી પણ ગાળી ચાલી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં કેટલા આતંકવાદીઓ છે, તે ખબર નથી, પણ આ હુમલામાં એક હવાલદાર અને તેની દીકરી ઘાયલ થયા છે. અત્યાર સુધી કુલ 3 લોકો ઘાયલ થયા છે.આતંકી હુમલા પછી જમ્મુ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય પણ સ્થિતી પર નજર રાખી રહ્યું છે. સમગ્ર વિસ્તાર પર ડ્રોનની નજર મંડાઈ છે. રીપોર્ટ અનુસાર હાલ ફાયરિંગ બંધ થયું છે. પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેમ્પની આસપાસની સ્કુલોને બંધ રખાઈ છે.