તેલંગાણા વિધાનસભાનું વિસર્જન કરી દેવાયું; વહેલી ચૂંટણી યોજવાની માગણી

હૈદરાબાદ – મુદત પૂરી થવાને આડે માત્ર 9 મહિના જ બાકી છે ત્યારે તેલંગાણા વિધાનસભાનું રાજ્યના પ્રધાનમંડળે કરેલી ભલામણ ઉપર આજે ગવર્નરે વિસર્જન કરી દીધું છે.

વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરતા કેબિનેટના પ્રસ્તાવનો ગવર્નર ઈ.એસ.એલ. નરસિંહને સ્વીકાર કર્યો છે. એમણે મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ તથા એમના પ્રધાનમંડળને વિનંતી કરી છે કે તેઓ કાર્યવાહક સરકાર તરીકે હોદ્દા પર ચાલુ રહે.

મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવન ખાતે આજે યોજાઈ ગયેલી બેઠકમાં રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવાના પ્રસ્તાવને પ્રધાનમંડળે મંજૂરી આપી હતી.

અડધા કલાક કરતાં પણ ઓછા સમય સુધી ચાલેલી એ બેઠક બાદ તરત જ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ, જે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડા છે, એ રાજભવન ગયા હતા અને ગવર્નરને મળીને પ્રધાનમંડળના નિર્ણયની જાણ કરી હતી.

એની અમુક મિનિટો બાદ જ રાજભવનમાંથી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે ગવર્નરે વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણનો સ્વીકાર કર્યો છે.

તેંલગાણા વિધાનસભાની મુદત 2019ની મે સુધી છે અને એની ચૂંટણી આવતા વર્ષે લોકસભાની ચૂંટણીની સાથે જ યોજવામાં આવનાર હતી, પરંતુ હવે કદાચ આ જ વર્ષના ડિસેંબરમાં અન્ય ચાર રાજ્યોની સાથે તેલંગાણાની પણ ચૂંટણી યોજવામાં આવે એવી શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]