રાબડીએ મારા વાળ પકડીને માર માર્યોઃ લાલુની પુત્રવધૂના સનસનીખેજ આરોપો

પટણાઃ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદનમો પરિવાર એકવાર ફરીથી પારિવારિક વિવાદને લઈને ચર્ચામાં છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યાએ પટણાના એક પોલીસ સ્ટેશનમાં પૂર્વ મુખ્યમંત્રી અને પોતાની સાસુ રાબડી દેવી, નણંદ મીસા ભારતી અને પતિ પર હેરાનગતિ કરવાનો તેમજ મારપીટ કરવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. ઐશ્વર્યાએ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રવિવારે રાત્રે રાબડી દેવીના આવાસમાં મારી સાથે મારપીટ કરવામાં આવી અને તેમને ઢસડીને બહાર કાઢી દેવામાં આવ્યા.

આ વાતની પુષ્ટી કરતા મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી આરતી કુમારે જણાવ્યું કે ઐશ્વર્યા દ્વારા મળેલી ફરિયાદની તપાસ શરુ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, નોંધાયેલી ફરિયાદમાં રાબડી દેવી, મીસા ભારતી, તેજ પ્રતાપ અને બે સુરક્ષા કર્મચારીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ અને તેમની પત્ની ઐશ્વર્યા વચ્ચે કોર્ટમાં છુટાછેડાનો કેસ અત્યારે ચાલી જ રહ્યો છે.

પટણામાં રાબડી આવાસથી કથિત રીતે કાઢી મુકવામાં આવ્યા બાદ રવિવારે સાંજે ઐશ્વર્યાએ પત્રકારોને જણાવ્યું કે, મારી સાસુએ મારા વાળ પકડ્યા અને મને ખૂબ માર માર્યો. ત્યારબાદ એક મહિલા પોલીસ કર્મચારીની મદદથી તેમને ઢસડીને બહાર કાઢી દેવામાં આવ્યા.

ઐશ્વર્યાએ કહ્યું કે, રાબડી દેવીના પરિવાર દ્વારા પુરાવાઓનો નાશ કરવા માટે મારો મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો અને સાથે જ મારો બધો સામાન તેમની પાસે રાખીને મને ઘરની બહાર કાઢી દેવામાં આવી.

ઐશ્વર્યાના પિતા પૂર્વ મંત્રી ચંદ્રીકા પણ આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા દેખાયા. તેમણે કહ્યું કે, હવે લાલૂ પરિવારને જગત સામે ખુલ્લો પાડવામાં આવશે. તેમણે આ મામલે રાજનૈતિક લડાઈ લડવાની વાત કરતા કહ્યું કે, જે લોકો પોતાના ઘરમાં મહિલાની ઈજ્જત નથી કરી શકતા, તે લોકો અન્ય લોકોની શું ઈજ્જત કરશે?

ત્યારબાદ ચંદ્રિકા કાયના સમર્થકોએ રાબડી આવાસ બહાર જોરદાર હંગામો કર્યો અને લાલુના પરિવાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા.

પૂર્વ ઉપમુખ્યમંત્રી અને લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે, હકીકત પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકાર આ કરાવી રહી છે. આ બે લોકો વચ્ચેનો મામલો છે કે જે કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે જ આનો નિર્ણય કરવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]