PM મોદી સમજાવી ન શક્યા; TDPના પ્રધાનોએ રાજીનામું આપી દીધું

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં તેલુગુ દેસમ પાર્ટીના બે સભ્યો – અશોક ગજપતિ રાજુ અને વાઈ.એસ. ચૌદરીએ આજે અહીં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે વડા પ્રધાનને મળ્યા બાદ એમને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે.

આંધ્ર પ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો આપવાના મામલે કેન્દ્ર સરકાર અને તેના ભાગીદાર પક્ષ ટીડીપી વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. વડા પ્રધાન મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ટીડીપીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ સાથે ફોન પર વાતચીત કરી હતી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી સરકારમાં સાથ ન છોડવા એમને સજાવ્યા હતા, પણ નાયડુએ પોતાની અમુક મજબૂરીઓથી મોદીને વાકેફ કર્યા હતા.

ત્યારબાદ વડા પ્રધાને આજે સાંજે અહીં રાજુ અને ચૌદરી, બંનેને સમજાવ્યા હતા, તે છતાં બંને ટીડીપી પ્રધાનોએ પોતપોતાનું રાજીનામું મોદીને સુપરત કરી દીધું હતું.

ચૌદરીએ બાદમાં કહ્યું કે, અમારો પક્ષ ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માં જોડાવાનું ચાલુ જ રાખશે, પરંતુ અમે કોઈ પ્રધાનપદું નહીં લઈએ. એમાં અમે કંઈ ખોટું કર્યું હોય એવું હું માનતો નથી.

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાના મામલે ઘણો વિલંબ થયો છે એવો ટીડીપીનો આક્ષેપ છે.

લોકસભામાં ટીડીપીના 16 સભ્યો છે અને રાજ્યસભામાં એના 6 સભ્યો છે. ટીડીપીના બે પ્રધાનના રાજીનામા છતાં મોદી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સંસદમાં એની પાસે પર્યાપ્ત સંખ્યામાં સભ્યો છે, પરંતુ આને મોટા રાજકીય ફટકા તરીકે જરૂર ગણવામાં આવશે, કારણ કે લોકસભાની હવે પછીની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારનો સાથ છોડી જનાર ટીડીપી ચાર વર્ષમાં પહેલી જ પાર્ટી બની છે.

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાનું શક્ય નથી, કારણ કે એને માટે નિયમોમાં ઘણા ફેરફારો કરવા પડે. અને ધારો કે નિયમોમાં ફેરફારો કરવામાં આવે તો બિહાર, ઝારખંડ જેવા અન્ય રાજ્યો પણ વિશેષ દરજ્જો આપવાની માગણી કરે.

ઉલ્લેખનીય છે કે, કોઈ રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવે તો એને કેન્દ્ર સરકારની યોજનાઓમાં 90 ટકા હિસ્સો કેન્દ્ર તરફથી મળે.