તમિલનાડુમાં ‘સ્ટારવોર’: રજનીકાંત બાદ કમલ હાસન કરશે રાજનીતિમાં પ્રવેશ

0
2860

ચેન્નાઈ- તમિલનાડુના રાજકારણમાં ‘સ્ટારવોર’ની શરુઆત થઈ છે. સુપર સ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ હવે કમલ હાસન પણ પોતાની રાજકીય પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કમલ હાસન આગામી 21 ફેબ્રુઆરીના રોજ નવી પાર્ટી અંગે જાહેરાત કરી શકે છે. આ અંગેની માહિતી કમલ હાસને તમિલ પત્રિકામાં આપી હતી.આપને જણાવી દઈએ કે, ગત વર્ષ 31 ડિસેમ્બરે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. આ માટે રજનીકાંતે એક વેબસાઈટ પણ તૈયાર કરી છે. જેમાં પાર્ટીમાટે સદસ્ય ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે રજનીકાંતે તેની પાર્ટીના નામ અંગે હજી કોઈ જાહેરાત કરી નથી. હવે તમિલનાડુના રાજકારણમાં વધ એક અભિનેતાનું નામ જોડાવા જઈ રહ્યું છે.

કમલ હાસન તેની પાર્ટીનો પ્રચાર કરવા તેના ગૃહપ્રદેશથી મદુરાઈ, ડિંડીગુલ અને શિવગંગઈનો પ્રવાસ કરશે. કમલ હાસને જણાવ્યું કે, તેની પાર્ટીનું નામ અને તેની કાર્યપદ્ધતિ અંગેની જાણકારી 21 ફેબ્રુઆરીએ આપવામાં આવશે.

પોતાની પ્રસ્તાવિત પ્રદેશ યાત્રા અંગે જાણકારી આપતા કમલ હાસને જણાવ્યું કે, લોકોની તકલીફ અને જરુરિયાતોને સમજવા માટે તેમની વચ્ચે જવું જરુરી છે. વધુમાં કમલ હાસને કહ્યું કે, તેમનો રાજ્યવ્યાપી પ્રવાસ કોઈ વિદ્રોહ માટે નથી. અને કોઈ ગ્લેમર અથવા પબ્લિસીટી સ્ટંટ પણ નથી. પણ આ યાત્રા લોકોનો મિજાજ સમજવા માટે છે.

કમલ હાસને કહ્યું કે, પાર્ટી બનાવવા જે લોકોએ મને આર્થિક સહાય કરી છે તે દરેકના પૈસા પરત આપવામાં આવશે. પણ પહેલા પાર્ટી નિર્માણ કરવામાં આવશે અને તેનું નામ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ જ ફંડ લેવામાં આવશે. કારણકે અત્યારથી આર્થિક મદદ લેવી એ અપરાધ છે.