ભારતીય એન્જિનિયરના આ આવિષ્કારની દેશમાં ન થઈ કદર, જાપાનમાં લોન્ચ થશે

નવી દિલ્હી– તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત એક મેકેનિકલ એન્જિનિયર એસ કુમારસ્વામીએ ડિસ્ટિલ્ડ વોટરથી ચાલતા એન્જિનની શોધ કરી છે. 10 વર્ષની સખ્ત મહેનત બાદ કુમારસ્વામીએ આ આવિષ્કાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક અલગ પ્રકારનું એન્જિન હોવાની સાથે ઈકો ફ્રેન્ડલી પણ છે. મહત્વની વાત તો એ છે કે, આ એન્જિન ઓક્સીજન બહાર છોડે છે, અને ફ્યૂલ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે.  પરંતુ અફસોસ એ વાતનો છે કે, આ એન્જિનને ભારતને બદલે જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં કુમારસ્વામીની વાત કોઈએ ન સાંભળતા પોતાના આવિષ્કારને જાપાનમાં લોન્ચ કરવું પડી રહ્યું છે.

તમિલનાડુના એસ કુમારસ્વામીએ દાવો કર્યો છે કે, આ એન્જિનને વિકસિત કરવામાં તેમને 10 વર્ષનો સમય લાગ્યો છે. આ ઓક્સિજન છોડતું વિશ્વનું પ્રથમ એન્જિન છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ઈંધણ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે, અને ઓક્સિજન બહાર કાઢે છે.

કુમારસ્વામીએ વધુમા કહ્યું કે, મારુ સપનું હતું કે, આ એન્જિનને ભારતમાં લોન્ચ કરું, એના માટે મે તમામ વહીવટી દરવાજા ખખડાવ્યાં પરંતુ મને કોઈ હકારાત્મક જવાબ ન મળ્યો. ત્યાર બાદ મે જાપાન સરકારનો સંપર્ક કર્યો અને મને ત્યાં તક મળી.

આગામી દિવસોમાં આ એન્જિન જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. મહત્વનું છે કે, એન્જિનિયરે ભારતમાં આ એન્જિન લોન્ચ કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યાં પરંતુ અહીંના પ્રશાસને તેમની કદર ન કરી.