કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે યેદિયુરપ્પાએ શપથ લીધા

બેંગલુરુ – કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પાર્ટીના બી.એસ. યેદિયુરપ્પાએ આજે અહીં રાજભવન ખાતે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

સવારે 9 વાગ્યે રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. યેદિયુરપ્પા કર્ણાટકના 23મા મુખ્ય પ્રધાન બન્યા છે.

શપથગ્રહણ વિધિ માટે રાજભવન ખાતે તેમજ શહેરમાં ભાજપના કાર્યાલય ખાતે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને બહુમતી પુરવાર કરવા માટે 15-દિવસનો સમય આપ્યો છે. યેદિયુરપ્પા 15 દિવસમાં વિધાનસભામાં એમની સરકારની બહુમતી સાબિત કરી દેશે એ સાથે કર્ણાટક રાજ્ય પણ કોંગ્રેસ-મુક્ત બની જશે.

કુલ 224માંથી 222 બેઠકો માટે યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી 113 બેઠક મેળવી શક્યો નથી. એને 104 બેઠક મળી છે. ગત્ વિધાનસભામાં રાજ કરનાર કોંગ્રેસને 78 અને એના સાથી પક્ષ જનતા દળ (સેક્યૂલર)ને 37 બેઠક મળી છે. આ બંને પક્ષના ગઠબંધને સરકાર રચવાનો દાવો કર્યો છે, પણ રાજ્યપાલ વાળાએ ભાજપ સૌથી મોટો પક્ષ હોઈ એને સરકાર રચવાનું ગઈ કાલે રાતે આમંત્રણ આપ્યું હતું.

યેદિયુરપ્પાના શપથવિધિ સમારોહ વખતે કેન્દ્રીય પ્રધાનો જે.પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન, અનંતકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપવાના રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણયને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટે નીમેલી 3-જજની બેન્ચે યેદિયુરપ્પાના શપથવિધિ સામે સ્ટે ઓર્ડર આપવાનો ઈનકાર કર્યો છે અને સુનાવણી શુક્રવારે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મધરાત બાદ વહેલી સવારે 2.15 વાગ્યે સુનાવણી શરૂ કરી હતી અને 5.28 વાગ્યે પૂરી કરી હતી.

httpss://twitter.com/RahulGandhi/status/996951947885228032