ઈરાકના મોસુલથી લાપતા થયેલા 39 ભારતીયો માર્યા ગયા: વિદેશપ્રધાન

નવી દિલ્હી- કેન્દ્રીય વિદેશપ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું કે, 4 વર્ષ પહેલા ઈરાકના મોસુલમાંથી લાપતા થયેલા 39 ભારતીય નાગરિકો માર્યા ગયા છે. સુષમા સ્વરાજે કહ્યું કે, ‘મારે ઘણા દુ:ખ સાથે આ વાતની જાણકારી આપવી પડે છે’. તમામ મૃતક લોકોના DNA ટેસ્ટ મેચ કરવામાં આવ્યા છે. તેમના મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે.વિદેશપ્રધાને કહ્યું કે, ‘મેં ગયા વર્ષે જ ગૃહમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મને કોઈ નક્કર માહિતી નહીં મળે ત્યાં સુધી હું લાપતા લોકોને મૃત જાહેર કરીશ નહીં’. ગઈકાલે અમને ઈરાક સરકારે માહિતી આપી કે 38 લોકોના DNA ટેસ્ટ મેચ કરી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિનું DNA 70 ટકા સુધી મેચ કરે છે. સુષમા સ્વરાજે જણાવ્યું કે, જનરલ વી.કે. સિંહ ઈરાક જશે અને તમામ મૃતદેહોને ભારત લાવવામાં આવશે. ઉપરાંત મૃતકોના પરિજનોને તેમના નશ્વર દેહની સાથે ક્લોઝર રિપોર્ટ પણ સોંપવામાં આવશે.

સુષમા સ્વરાજે સંસદમાં જણાવ્યું કે, લાપતા ભારતીયોને શોધવા મારા સહયોગી જનરલ વી.કે. સિંહે ખૂબ જ મહેનત કરી છે. તેમણે અનેક વખત મોસુલ અને બગદાદની જાતે મુલાકાત લઈ લાપતા ભારતીયોને શોધવા પ્રયાસ કર્યા હતા. જે માટે સુષમા સ્વરાજે જનરલ વી.કે. સિંહનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ભારતીયોને શોધવાના કામમાં સહયોગ આપવા માટે ઈરાક સરકારનો પણ આભાર માન્યો હતો. વધુમાં સુષમાં સ્વરાજે કહ્યું કે, ‘હું ઈચ્છીશ કે ગૃહના તમામ સભ્યો મૃતકોને શ્રદ્ધાંજલિ આપે’.