ખેડૂતો સાથે ખુલ્લા મને મંત્રણા કરોઃ SC

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં 21 દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન અંગે અનેક અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોને નોટિસ ઈસ્યૂ કરી હતી. દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને દૂર કરવાની અરજીઓમાં માગણી કરવામાં આવી છે.

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ સુનાવણી દરમિયાન એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે જો સરકારનું મન ખુલ્લું નહીં હોય તો ખેડૂતો સાથે તેની મંત્રણા ફરી નિષ્ફળ જશે. ખેડૂતો સાથેની મડાગાંઠ ઉકેલવા માટે એક એવી સમિતિની રચના કરવી જોઈએ જેમાં ખેડૂતોના નેતાઓ હોય, સરકારી અધિકારીઓ હોય તથા અન્યો હોય. કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતની વિરુદ્ધમાં હોય એવું કંઈ નહીં કરે એવું સરકાર વતી ઉપસ્થિત થયેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે એમને કહ્યું કે ખેડૂતો એવું માને છે કે કાયદાઓ એમની વિરુદ્ધના છે અને તમે જો ખુલ્લા મન સાથે વાટાઘાટ નહીં કરો તો એ ફરી વાર નિષ્ફળ જશે જ.