સબરીમાલા કેસઃ કેરળ સરકારને નવો કાયદો બનાવવા સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હીઃ સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકર અને ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા દ્વારા તાજેતરમાં લેવાયેલા બહુમતી નિર્ણયમાં સબરીમાલા મંદિરમાં તમામ વય જૂથોની મહિલાઓના પ્રવેશને લગતી ટોચની વ્યક્તિઓ સહિત સાત ન્યાયાધીશોની મોટી બેંચને આ મામલો સોંપવામાં આવ્યો છે. કોર્ટના 2018ના નિર્ણય પર પુનર્વિચારણા કરવા માગ કરવામાં આવી હતી.

કેરળનું પ્રખ્યાત સબરીમાલા મંદિર 17 નવેમ્બરે ભક્તો માટે ખોલવામાં આવ્યું છે અને મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને, સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમિયાન કેરળના સ્થાયી સલાહકારો દ્વારા સુપ્રીમ કોર્ટની વાતચીતની જાણકારી એક સમાચારસંસ્થાને આપવામાં આવી હતી.

તેઓએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પર નવો કાયદો લાવવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો શક્ય હોય તો ટૂંકસમયમાં સબરીમાલા પર નવો કાયદો લાવવો જોઈએ. કોર્ટે કાયદો લાવવા માટે સરકારને આવતા વર્ષના જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગત વર્ષે ઓગસ્ટમાં કોર્ટે કેરળ સરકારને સબરીમાલા મંદિર માટે નવો કાયદો લાવવા કહ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે ત્રાવણકોર-કોચીન ધાર્મિક સંસ્થા સંસ્થા અધિનિયમનો મુસદ્દો રજૂ કરી દીધો હતો.

જો કે બહુમતીના નિર્ણયથી સાત ન્યાયાધીશોની વિશાળ બેંચ માટે સમીક્ષા અરજી બાકી છે અને 28 સપ્ટેમ્બર 2018 ના નિર્ણય પર સ્ટે મૂકાયો નથી તેથી તમામ વય જૂથોની છોકરીઓ અને મહિલાઓ મંદિરની મુલાકાત લઇ શકે છે.