સોનિયા રાહુલનું ટેક્સ એસેસમેન્ટ ફરી ખોલવા સુપ્રીમે મંજૂરી આપી..

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મામલે સુપ્રિમ કોર્ટે આવકવેરા વિભાગને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ઓસ્કાર ફર્નાન્ડિઝના 2011-12ના ટેક્સ દસ્તાવેજની ફરી તપાસ કરવાની મંજૂરી આપી છે. જો કે કોર્ટે હાલ આ મામલે કોઈ જ અંતિમ આદેશ આપ્યો નથી. આગામી સુનાવણી 8 જાન્યુઆરીએ થશે. સોનિયા-રાહુલે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સપ્ટેમ્બરમાં બંનેના આવકવેરા દસ્તાવેજની ફરી તપાસ કરવા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો.

આ મામલો નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલો છે. 10 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે અરજીને ફગાવતા કહ્યું હતું કે આવકવેરા વિભાગને ટેક્સ પ્રક્રિયાની ફરી તપાસ કરવાનો અધિકાર છે. જો અરજકર્તાને કોઈ ફરિયાદ છે તો તેના માટે તેઓ વિભાગની પાસે જઈ શકે છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આવકવેરા અધિકારીઓને ગાંધી પરિવાર, સોનિયા અને રાહુલ ગાંધીને ફાયદો પહોંચાડવાની ફરિયાદ કરી હતી. આરોપ હતો કે રાહુલ અને સોનિયા ગાંધીએ 2010માં યંગ ઈન્ડિયા લિમિટેડ નામથી કંપની બનાવી અને પંડિત નેહરુ દ્વારા સ્થાપિત એસોસિએટ્સ જર્નલ લિમિટેડની સંપત્તિઓને અધિગ્રહિત કરી લીધી.


યંગ ઈન્ડિયામાં 83.3% શેર રાહુલ અને સોનિયા પાસે, 15.5% શેર મોતીલાલ વોરા અને બાકીના 1.2% શેર ઓસ્કાર ફર્નાન્ડીઝની પાસે છે. આરોપ છે કે બંધ થઈ ગયેલા નેશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન કરનારા AJLના શેરની લેવડદેવડથી ગાંધી પરિવારને લગભગ 1300 કરોડ રૂપિયાનો ફાયદો થયો. આરોપ છે કે ગાંધી પરિવારે આ શેરના હસ્તાંતરણ યંગ ઈન્ડિયાના શેર ખરીદ્યા બાદ કર્યાં. આવકવેરા વિભાગ મુજબ યંગ ઈન્ડિયાના શેરથી નાણાંકીય વર્ષ 2011-12માં રાહુલ ગાંધીને 154 કરોડની આવક થઈ પરંતુ ટેક્સ દસ્તાવેજમાં માત્ર 68 કરોડ જ દર્શાવ્યાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]