SC/ST એક્ટ પર કોર્ટમાં ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું કાયદો ન બનાવી શકે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટમાં SC/ST એક્ટને લઈને થયેલી સુનાવણી દરમિયાન જોરદાર ચર્ચા થઈ હતી. કોર્ટે જણાવ્યું કે, SC/ST એક્ટમાં FIR પહેલાં અધિકારીને સંતોષ હોય કે, કોઈની ખોટીરીતે સંડોવણી નથી કરવામાં આવી રહી તોજ આગળની કાર્યવાહી કરવામાં આવે. અને જરુર પડે તો ધરપકડ કરવામાં આવે. આ અંગે કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે, આ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.કેન્દ્ર સરકારના નિવેદન પર સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, જો આ દેશમાં જીવવાના અધિકારને કોર્ટ લાગૂ નહીં કરે તો કોણ કરશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કોર્ટે ફક્ત એટલું જ કહ્યું છે કે, ફરિયાદ પહેલા સંબંધિત અધિકારી સંતુષ્ટ હોવો જોઈએ કે, કોઈને ખોટીરીતે ફસાવવામાં નથી આવી રહ્યો.

કોર્ટ આ રીતે નવો કાયદો બનાવી શકે નહીં- અટોર્ની જનરલ

કોર્ટના સવાલ પર કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, કોર્ટ આ રીતે નવો કાયદો બનાવી શકે નહીં. આ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. બંધારણમાં ન્યાયપાલિકા, વિધાયિકા અને કાર્યપાલિકાના અધિકારોનું વિભાજન કરવામાં આવ્યું છે. અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, કોર્ટના આ પ્રકારના આદેશને કારણે વર્ષોથી દમનનું જીવન વ્યતિત કરી રહેલા લોકોના આત્મવિશ્વાસ પર અસર પડશે.

આ નિર્ણય પર વિચાર કરવા મામલાને મોટી બેંચ પાસે મોકલવો જોઈએ. આ મામલે વધુ સુનાવણી આગામી 16 મેના રોજ કરવામાં આવશે. આ અંગે અટોર્ની જનરલે સરકારનો પક્ષ અને તર્ક રજૂ કર્યો હતો.