તામિલનાડુમાં સ્ટરલાઈટ સામેનો વિરોધ હિંસક બન્યો; પોલીસ ગોળીબારમાં 9 જણનાં મોત

ટૂટુકુડી (તૂતીકોરીન – તામિલનાડુ) – વેદાંત ગ્રુપ દ્વારા સંચાલિત કંપની સ્ટરલાઈટ વિરુદ્ધનું આંદોલન આજે તૂતીકોરીનમાં હિંસક બનતાં એક છોકરી સહિત 9 જણે જાન ગુમાવ્યા છે અને બીજાં 60 જણ ઘાયલ થયા છે, જેમાં ઘણા પત્રકારો અને મિડિયાકેમેરામેનનો સમાવેશ થાય છે.

સ્ટરલાઈટને બંધ કરવાની માગણી કરતા સેંકડો આંદોલનકારીઓ હિંસક બન્યા હતા અને જિલ્લા કલેક્ટર પર કથિત હુમલો કર્યા બાદ પોલીસે કરેલા ગોળીબારમાં એક છોકરી સહિત 9 જણ માર્યા ગયા છે.

તામિલનાડુમાં દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યો હોય અને મરણો નિપજ્યા હોય એવો આ પહેલો જ મોટો બનાવ બન્યો છે. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે પહેલા અશ્રુવાયુ છોડ્યો હતો અને લાઠીમાર કર્યો હતો.

તે છતાં સેંકડો લોકો પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરીને એકત્ર થતાં અને દેખાવકારો અને પોલીસો વચ્ચે ઝપાઝપી થતાં પોલીસે ગોળીબાર કર્યો હતો. પોલીસનો આરોપ છે કે દેખાવકારોએ પોલીસો પર પથ્થરો ફેંકવાના શરૂ કર્યા ત્યારે એમણે લાઠીમાર કર્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં એમણે ગોળીબાર કર્યો હતો.

ટૂટિકોરિન જિલ્લામાં વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઈટ કોપર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનનો આજે 100મો દિવસ છે.

લોકોનો આરોપ છે કે વેદાંતની આ ફેક્ટરીમાંથી ખૂબ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

આજે થયેલી હિંસામાં ઘાયલ થયેલાઓમાં પોલીસજવાનોનો પણ સમાવેશ થાય છે. એમના ઘણાયને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિરોધ પક્ષોએ મરણો માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે અને રાજ્યના મુખ્ય પ્રધાન ઈ. પલાનીસ્વામી હોદ્દા પરથી રાજીનામું આપે એવી માગણી કરી છે.

પલાનીસ્વામીએ એમના સાથી પ્રધાનો તથા ટોચના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કહ્યું હતું કે સ્ટરલાઈટ કંપની સામે પગલું લેવામાં આવશે.

રાજ્ય સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે કંપની વિરુદ્ધ આજે યોજવામાં આવેલી રેલીમાં 20 હજારથી વધુ લોકો જોડાયા હતા અને તેઓ હિંસક બન્યા હતા. એમણે પોલીસો પર હુમલો કર્યો હતો, પોલીસના વાહનોને આગ લગાડી હતી અને જિલ્લા કલેક્ટરના કાર્યાલય પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ અંકુશ બહાર જતાં પોલીસે પગલાં લીધા હતા.