તૂતીકોરિન- તમિલનાડુના તૂતીકોરિનમાં વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટ બંધ થવાને કારણે 32 હજાર 500 કારીગરોની આજીવિકા પર સંકટ ઉભું થયું છે. જેમાં 3500 કારીગરોની આજીવિકા પર પ્રત્યક્ષ અસર પહોંચી છે. જ્યારે આશરે 40 હજાર જેટલા કારીગરોની નોકરી અપ્રત્યક્ષ રીતે પ્રભાવિત થઈ છે.સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટમાં 2500 કર્મચારી કોન્ટ્રાક્ટ કામદારો છે. જેઓને કંપનીએ કરારની જોગવાઈ મુજબ ફરિયાદ નોટિસ ઈશ્યૂ કરી છે. આ ઉપરાંત લગભગ 30 હજાર કર્મચારી કારખાનું બંધ થવાને કારણે બેરોજગાર થયા છે. જેઓ સપ્લાયર, ખાદ્ય સામગ્રી પહોંચાડનારા, પરિવહન વાહન એકમો તેમજ અન્ય એકમો દ્વારા ફેક્ટરી સાથે જોડાયેલા હતા. બેરોજગાર થયેલા આ લોકો સામે જ્યાં સુધી પ્લાન્ટ બંધ રહેશે ત્યાં સુધી આજીવિકાનું સંકટ ઉભું થયું છે.
તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્લાન્ટનું લાઈસન્સ રિન્યૂ કરવાનો ઈનકાર કર્યો છે. લાઈસન્સ રિન્યૂ નહીં કરવા માટે બોર્ડે એપ્રિલ મહિનાથી પ્લાન્ટ દ્વારા ત્રણ મુખ્ય નિયમોનું ઉલ્લંઘન થયાનું જણાવ્યું છે. બોર્ડે જણાવ્યું કે, સ્ટર્લાઈટ દ્વારા કારખાનાના કચરાને નદીના પાણીમાં વહાવીને પર્યાવરણના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.
જોકે સ્ટર્લાઈટ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આરોપને નકારી કાઢવામાં આવ્યા છે. સ્થાનિક લોકોમાં પ્રદૂષિત પાણીના કારણે કેન્સર જેવી બિમારી થવાની વાતને કંપનીના CEO રામનાથે નકારી કાઢી છે. અને જણાવ્યું છે કે, આ બધી માત્ર અફવા છે. જે કંપનીનો અપપ્રચાર કરવા ફેલાવવામાં આવે છે.