નાગરિકતા બિલઃ રાજ્યોને ના કહેવાનો કોઈ અધિકાર નથી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ નાગરિકતા કાયદો અસ્તિત્વમાં આવી ગયો છે. પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બાદ હવે પંજાબ અને કેરળના મુખ્યમંત્રીઓએ પણ પોતાના રાજ્યોમાં નાગરિકતા કાયદો અમલી ન કરવાની જાહેરાત કરી છે. સાથે જ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તિસગઠના મુખ્યમંત્રીઓએ પણ આને અમલી ન કરવાને લઈને સંકેત આપ્યા છે. તો ગૃહમંત્રાલયના સૂત્રો અનુસાર રાજ્યોને CAB મામલે ના કહેવાનો કોઈ અધિકાર નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર નાગરિકતાનો મુદ્દો સંઘના લિસ્ટમાં આવે છે અને તે કેન્દ્ર અંતર્ગત છે. કેરળના મુખ્યમંત્રી પી વિજયને આ કાયદાને દેશના ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક માળખાની વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રકારના અસંવૈધાનિક કાયદા માટે રાજ્યમાં કોઈ જગ્યા નથી.

કોંગ્રેસ આ બિલને મહારાષ્ટ્રમાં કોઈપણ સ્થિતિમાં લાગૂ નથી કરવા ઈચ્છતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય આ મામલે શનિવારના રોજ કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે દિલ્હીમાં મળશે અને માંગ કરશે કે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને આ કાયદાને મહારાષ્ટ્રમાં લાગૂ ન થવા દે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યું કે આ મુદ્દે અમારું સ્પષ્ટ વલણ છે. અમે આનો વિરોધ કર્યો હતો. આગળ પણ તેને યથાવત રાખીશું. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ પર પાર્ટીના નેતૃત્વની ભૂમિકા સ્પષ્ટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]