શ્રીનગર: CPRF કેમ્પ પર હુમલો કરનારા આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ

શ્રીનગર- જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર હુમલા બાદ આતંકીઓએ સોમવારે સવારે શ્રીનગર CRPF હેડક્વાર્ટર ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. CRPFના જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. અને આતંકીઓને મારવા વિસ્તાર કોર્ડન કરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.CRPFની ક્વિક રિએક્શન ટીમે (QRT) કરણ નગર વિસ્તારમાં આતંકીઓને ઘેરીને એન્કાઉન્ટર શરુ કર્યું છે. બન્ને આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. બન્ને તરફથી ફાયરિંગ શરુ થયાના સમાચાર છે. ફાયરિગમાં CRPFનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે.

સોમવારે સવારે શ્રીનગરના કરણ નગર વિસ્તારમાં બે આતંકીઓ જેમની પાસે AK-47 રાયફલ હતી, તેઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યાં હતાં. CRPFના જવનોએ આતંકીઓ પર ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ ભાગી છૂટ્યા હતાં. તેમને શોધવા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, શ્રીનગરમાં ફરીવાર બરફવર્ષા શરુ થઈ છે. આતંકીઓ તેનો લાભ લઈને ભારતીય સેના પર હુમલો કરવાનો પ્લાન બનાવીને આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે દેશની આંતરિક સુરક્ષા પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જે આજે સાંજે 4 વાગ્યે મળશે. આ બેઠકમાં સુંજવાં આતંકી હુમલા અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત ગૃહ સચિવ, IB ચીફ, RAW ચીફ સહિત ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજરી આપશે.