નવી દિલ્હીથી હુમલા સંદર્ભે ઇનપુટ અપાયાં છતાં પગલાં ન લેવાયાંઃ શ્રીલંકન વડાપ્રધાન

નવી દિલ્હીઃ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ બાદ એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીલંકાના પોલીસ ચીફે 10 દિવસ પહેલા જ દેશભરમાં એલર્ટ જાહેર કર્યું હતું, કે રવિવાર પહેલા આત્મઘાતી હુમલાખોર દેશના મુખ્ય ચર્ચોને નિશાન બનાવી શકે છે. હવે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમ સિંઘે પણ તેના પર મહોર મારી છે.

રાનિલ વિક્રમસિંઘે મીડિયાને કહ્યું કે, તપાસ અજેન્સીઓની પાસે આ પ્રકારના હુમલાનો અંદશો પહેલાથી જ હતો. પરંતુ તેઓએ ન તો એ જાણકારી શેર કરી અને ન તો તેની પર કોઈ મજબૂત પગલાં લીધા. સરકાર તેની તપાસ કરશે કે પહેલાથી પૂરતી માહિતી હોવા છતાંય સાવધાની કેમ ન રાખવામાં આવી. દેશની કેબિનેટને પણ તેની જાણકારી નથી આપવામાં આવી.

તેઓએ કહ્યું કે, આ ઘટના પાછળ જે લોકોના નામ સામે આવ્યા છે, તે સ્થાનિક છે. પરંતુ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેની પાછળ કોઈ વિદેશી કનેક્શન તો નથી ને. વડાપ્રધાને સ્વકાર્યું કે સંભવિત હુમલાની જાણકારી પહેલાથી હતી. તેઓએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે સરકારની પહેલી પ્રાથમિકતા તેની પાછળના તમામ આતંકવાદીઓને પકડવાના છે. એ સુનિશ્ચિત કરવાનું છે કે ફરી અવી ઘટનાઓ ન બને.

ઇન્ટેલિજન્સ એજન્સી અનુસાર નેશનલ તૌહીદ જમાતના જહરાન હાસિમ અને તેના સાથીઓએ મળીને આત્મઘાથી હુમલાને અંજામ આપવાની યોજના બનાવી હતી. આ સમગ્ર હુમલો કરતાં પહેલા તેઓએ તેના માટે એક રિહર્સલ કર્યું હતું. સાથોસાથ 16 એપ્રિલે વિસ્ફોટકથી ભરેલી એક મોટરસાઇકલ પણ કતાંનકુડીની પાસે છોડી દેવામાં આવી હતી.

મળતી જાણકારી મુજબ, આતંકવાદીઓની યોજના હતી કે હુમલો 22 એપ્રિલ પહેલા કે બાદમાં થાય. સાથોસાથ તેઓએ રેકી કરીને એવા 8 સ્થળો (જેમાં ચર્ચ અને હેટલ હતા) તે પસંદ કરવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો આવે છે. આ સંબંધમાં નવી દિલ્હીથી પણ કોલંબોને 4 એપ્રિલે જ જાણકારી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, શ્રીલંકાના પોલીસ ચીફ પુજુથ જયાસુંદરાએ 11 એપ્રિલે જ એક ચેતવણી ઉચ્ચ અધિકારીઓને આપી હતી. તે મુજબ એક વિદેશ તપાસ અજેન્સી અનુસાર નેશનલ થોહીથ જમાત આત્મઘાતી હુમલાખોરોને દેશના મુખ્ય ચર્ચોમાં મોકલીને બ્લાસ્ટનું કાવતરું રચી રહી છે. તેની સાથે જ એનટીજેના નિશાના પર કોલંબોમાં સ્થિત ભારતીય એમ્બેસી પણ છે. એનટીજે એક મુસ્લિમ સંગઠન છે. આ સંગઠન તે સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેઓએ બુદ્ધની મૂર્તિઓને તોડી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની રાજધાની કોલંબો સ્થિત દેશના અનેક હિસ્સાઓમાં રવિવાર સવારે 8.45 વાગ્યે એક પછી એક આઠ બ્લાસ્ટ થયા. ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવવામાં આવ્યા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 215 લોકોનાં મોત થયા છે, જ્યારે 450થી વધુ લોકો ઘાયલ છે. આ આંકડો હજુ વધી શકે છે. અત્યાર સુધી 13 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સરકારે કહ્યું છે કે મોટાભાગના બ્લાસ્ટ આત્મઘાતી હતી. મરનારાઓમાં ભારતીય અને પાકિસ્તાની સહિત 35 વિદેશી નાગરિક પણ છે. બ્લાસ્ટમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. તે કેરળનો રહેવાસી હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]