YSR કોંગ્રેસ દ્વારા આવતીકાલે ‘આંધ્ર પ્રદેશ બંધ’નું એલાન

હૈદરાબાદ – આંધ્ર પ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું તે છતાં એ દરજ્જો આપવાના કેન્દ્રની એનડીએ સરકારે કરેલા ઈનકારના વિરોધમાં રાજ્યના વિરોધપક્ષ YSR કોંગ્રેસે મંગળવારે ‘આંધ્ર પ્રદેશ બંધ’નું એલાન કર્યું છે.

ગયા શુક્રવારે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અન્ય નેતાઓએ કરેલા નિવેદનો અંગે પણ YSR કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.

YSR કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડીએ સમાજના તમામ વર્ગોના લોકો તેમજ તમામ રાજકીય પક્ષોને એક અપીલ કરી છે કે તેઓ મંગળવારના આંધ્ર પ્રદેશ બંધને ટેકો આપે, જેથી કેન્દ્ર સરકાર આંધ્ર પ્રદેશની જનતાની લાગણીને સમજી શકે.

જગનમોહન રેડ્ડીએ ભાજપના નેતાઓને યાદ અપાવ્યું છે કે તમારા પક્ષે 2014ની લોકસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાના મુદ્દાનો સમાવેશ કર્યો હતો. તેથી આ વચનનું પાલન થવું જોઈએ.

રેડ્ડીએ કહ્યું કે વડા પ્રધાને લોકસભામાં કરેલા નિવેદનથી સ્પષ્ટ થયું છે કે એ મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ છે જેમણે વચન મુજબના વિશેષ દરજ્જાના બદલામાં વિશેષ સહાય પેકેજનો પહેલા સ્વીકાર કર્યો હતો અને પછી પોતાના શબ્દોમાં ફરી જઈને યૂ-ટર્ન લીધો હતો. રાજ્યના હિતોનું આ રીતે બલિદાન આપવાનો મુખ્ય પ્રધાનને અધિકાર નથી. રાજ્યને વિશેષ દરજ્જો મળે એ માટે એ શરૂઆતથી જ ઉત્સાહિત નહોતા. પરંતુ, ભાજપે મુખ્ય પ્રધાને યૂ-ટર્ન લીધો છે એવું બહાનું બતાવીને રાજ્યને વિશેષ દરજ્જો આપવાના વચનમાંથી ફરી જવું ન જોઈએ.