દેશનું સૌથી વધારે નુકસાન વડાપ્રધાને કર્યુંઃ કોંગ્રેસની રેલીમાં સોનિયાના પ્રહારો

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ભારત બચાઓ રેલીમાં કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે પોત-પોતાના ઘરેથી નિકળો અને આંદોલન કરો. આજે જ્યારે હું આપણા ખેડૂતભાઈઓને જોઉં છું તો મને ખૂબ દુઃખ થાય છે. તેમને ખાતર મળતું નથી. પાણી અને વીજળીની સુવિધાઓ મળતી નથી. પાકના યોગ્ય ભાવ નથી મળતા. આવામાં સરકારને જણાવો કે આપણે તેમના વિરુદ્ધ સંઘર્ષ માટે તૈયાર છીએ કે નહી.

તેમણે કહ્યું કે, મજૂર ભાઈઓને સવાર-સાંજનું ભોજન નથી મળતું. નાના-મોટા વ્યાપારીઓ, કે જેમણે બેંકમાંથી લોન લીધી છે તે લોકો મુશ્કેલીમાં છે. ઘણી જગ્યાએ નાનો વ્યાપાર ચલાવતા લોકો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે હવે તમે જ જણાવો કે આપણે લોકો આપણા ઘરોમાંથી નિકળવા માટે તૈયાર છીએ કે નહી. મારી બહેનો પેટે પાટા બાંધીને પરિવારનું પાલન કરે છે. આજે તે લોકો પણ મોંઘવારીથી ત્રસ્ત છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો માહોલ છે. ક્યાં ગયો સહુનો સાથ સહુનો વિકાસ? કાળુનાણુ ક્યાં ગયું? આના માટે કાયદો બનાવ્યો પરંતુ બ્લેક મની પાછા ન આવ્યા. આ વાતની તપાસ થવી જોઈએ. કંપનીને વેચવામાં આવે છે તેના વિરુદ્ધ તપાસ થવી જોઈએ કે નહી? આજે આપણા પૈસા બેંકોમાં પણ સુરક્ષિત નથી, ઘરોમાં પણ સુરક્ષિત નથી.