સોનિયા પાસે સંપત્તિ કેટલી? રૂ. 60 હજાર રોકડા, શેરમાં 2.4 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ

રાયબરેલી (ઉત્તર પ્રદેશ) – યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સનાં અધ્યક્ષા અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે રાયબરેલી લોકસભા મતવિસ્તારમાંથી એમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.

ઉમેદવારીપત્રની સાથે એમણે જોડેલા સોગંદનામામાં જણાવ્યું છે કે એમની પાસે રોકડ રકમ તરીકે માત્ર રૂ. 60 હજાર છે અને ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં રૂ. .16.59 લાખની રકમ છે.

સોનિયાએ કહ્યું છે કે એમણે શેરોમાં રૂ. 2,44,94,405નું મૂડીરોકાણ કર્યું છે. એમની પાસે રિલાયન્સ હાઈબ્રિડ બોન્ડ G છે અને રૂ. 28,533ની કિંમતના ટેક્સ-ફ્રી બોન્ડ્સ છે. એમણે પોસ્ટલ બચત યોજનામાં, વીમા પોલિસીઓમાં અને નેશનલ સેવિંગ્સ સ્કીમ (NSS)માં રૂ. 72,25,414નું મૂડીરોકાણ પણ કર્યું છે.

સોનિયા ગાંધીએ વધુમાં લખ્યું છે કે એમની પાસે નવી દિલ્હીમાં ડેરામંડી ગામમાં કૃષિલાયક જમીન છે, જેની કિંમત રૂ. 7,29,61,793 છે. ઈટાલીમાં એક વારસાગત પ્રોપર્ટીમાં એમનો હિસ્સો છે જેની કિંમત થાય છે રૂ. 7,52,81,903.

સોગંદનામા અનુસાર, સોનિયા ગાંધીએ એમનાં પુુત્ર રાહુલ ગાંધી પાસેથી રૂ. પાંચ લાખની અંગત લોન પણ લીધી છે.

સોનિયા ગાંધી પાસે રૂ. 59,97,211ની કિંમતનું ઝવેરાત છે. આમાં 88 કિલોગ્રામ ચાંદીનો સમાવેશ થાય છે.

સોનિયા ગાંધી જિલ્લા કલેક્ટર-કમ-ચૂંટણી રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારીપત્ર સુપરત કરવા ગયાં હતાં ત્યારે એમની સાથે એમના પુત્ર અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા પણ હતા.

બાદમાં, પત્રકારો સાથેની વાતચીતમાં સોનિયાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને હરાવી ન શકાય એવું નથી. એમને પણ હરાવી શકાય છે. 2004ની લોકસભા ચૂંટણીને યાદ કરો. એ વખતે બધાયને વાજપેયીજી અજેય લાગ્યા હતા, પણ અમે જીતી ગયા હતા. ભારતીય ઈતિહાસમાં ઘણા લોકો એવા થઈ ગયા જેમને એવો ઘમંડ હતો કે પોતે અજેય છે અને દેશની જનતા કરતાં પણ મોટા છે. મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં જનતા માટે કંઈ જ કર્યું નથી અને એ અજેય છે કે નહીં એની ચૂંટણી બાદ ખબર પડી જશે.

ઉમેદવારીપત્ર સુપરત કર્યા બાદ સોનિયા ગાંધી અને એમનાં પરિવારજનોએ પૂજામાં ભાગ લીધો હતો.