હતાશામાંથી બહાર આવ્યાં રાહુલઃ અમે 52 સાંસદો ભાજપ સામે લડવા કાફી છીએ

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધી સંસદીય દળના નેતા બન્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રામક અને મજબૂત બની રહેવાની સલાહ આપી. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે 52 સાંસદ જ બીજેપી સાથે લડવા માટે પૂરતા છીએ.ઉલ્લેખનીય છે કે પરિણામો જાહેર થયાંના દિવસથી લઇને હતાશામાં ગરકાવ થયેલાં રાહુલ ગાંધીએ પ્રદેશ અધ્યક્ષ પદ ત્યાગવાની વાત કરવા સાથે બધાંને મળવાનું છોડી દીધું હતું. ત્યારે તેમનું આજનું નિવેદન મહત્ત્વપૂર્ણ છે.

આજે સાંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાતાઓનો આભાર માનતા કહ્યું કે તમામ કોંગ્રેસના સદસ્યોને એ યાદ રાખવાનું છે કે આપણે બધા સંવિધાન માટે લડી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ દેશવાસી માટે લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે મજબૂત અને આક્રામક રહેવું પડશે. લોકસભા ચૂંટણીમાં ઓછી સીટો જીતવા છતા પણ રાહુલ ગાંધીએ શક્તિશાળી હોવાનો અહેસાસ કરાવ્યો અને કહ્યું કે આપણે 52 સાંસદ છીએ અને હું ગેરન્ટી આપું છું કે આ 52 લોકો જ બીજેપી સામે લડવા માટે પૂરતા છે. પણ મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે કોંગ્રેસ વિપક્ષના નેતા માટે દાવો નહી કરે.

તો આ બેઠકમાં સોનિયા ગાંધીએ સંસદીય દળના નેતા ચૂંટાયા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને વોટ કરનારા 12.13 કરોડ મતદાતાઓનો આભાર માન્યો. જો કે આ બેઠકમાં નેતા વિપક્ષને લઈને કોઈ નિર્ણય ન થયો. પરંતુ આ જવાબદારી અત્યારે સોનિયા ગાંધી પર છોડી દેવામાં આવી છે. એટલે કે લોકસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિપક્ષના નેતા કોણ બનશે, તે નક્કી કરવાની જવાબદારી સોનિયા ગાંધીને આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે લોકસભામાં તેના માત્ર 52 સાંસદ છે. વિપક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે કોઈપણ પાર્ટી પાસે 55 સાંસદ હોવા જરુરી છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 44 સાંસદો સંસદ પહોંચ્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ખૂબ ઓછી સંખ્યા હોવા છતા પણ રાહુલ આક્રામક દેખાઈ રહ્યા હતા અને તેમણે પોતાના નેતાઓને બીજેપી વિરુદ્ધ લડવા આહ્લાન કહ્યું છે.