સંસદમાં બેઠક બદલાતા સેનાનો નવો સૂરઃ હજી એનડીએથી અલગ નથી

નવી દિલ્હી- સંસદનું શિયાળુ સત્ર શરુ થઈ ગયું છે અને આજે તેનો ત્રીજો દિવસ છે. મહારાષ્ટ્ર ચુંટણીના પરિણામ પછી ભાજપ અને શિવસેનાની વચ્ચે મુખ્યપ્રધાન પદને લઈને રાજકારણ ગરમાયું હતું. તેની અસર સંસદના શિયાળુ સત્ર પર પણ પડી છે. અને શિવસેનાના સાંસદ સંજય રાઉતની રાજ્યસભા ચેમ્બરમાં બેઠક બદલી નાખી છે. રાઉતે રાજ્યસભામાં ચેમ્બરમાં તેમની જગ્યા બદલાતાં નારાજગી દર્શાવી છે અને રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે પત્ર લખીને કહ્યું છે કે આ નિર્ણય જાણીજોઈને લીધો છે, શિવસેનાની ભાવનાઓને ચોટ પહોંચાડવા અને અમારો અવાજ દબાવવા માટે લેવામાં આવ્યો છે.

રાઉતે કહ્યું છે કે વેંકૈયા નાયડુને લખ્યું છે કે એ જાણીને આશ્ચર્ય થયું છે કે રાજ્યસભામાં ચેમ્બરમાં મારી બેસવાની જગ્યા ત્રીજી રોમાંથી પાંચમી રોમાં કરી દેવાઈ છે. આ નિર્ણય કોઈએ જાણીજોઈને શિવસેનાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને અમારો અવાજ દબાવવા માટે લેવામાં આવ્યો છે. આ પગલાંને હું અયોગ્ય ગણવું છું અને એનડીએથી અલગ થવાની હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આ નિર્ણયથી સદનની ગરિમાને અસર થઈ છે. હું અનુરોધ કરું છું કે મને પહેલી, બીજી અથવા ત્રીજા હરોળમાં બેઠક આપવામાં આવે અને સદનની શિષ્ટતા પણ જળવાઈ રહે.

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે લડ્યાં હતાં. વિધાનસભામાં 288 બેઠકો હતી, જેમાંથી ભાજપ અને શિવસેના 161 બેઠક જીત્યાં હતાં. તે પછી મુખ્યપ્રધાન પદને લઈને મતભેદો સર્જાતા બન્ને પાર્ટીઓએ એકબીજા પર શાબ્દિક હૂમલા કર્યાં હતાં. શિવસેના રાજ્યમાં બિનભાજપ સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથેના સંપર્કમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]