CM શિવરાજસિંહની ધમકીથી રાહુલ ગાંધી ‘કન્ફ્યુઝ’

નવી દિલ્હી- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અંગે કરેલી ટિપ્પણીને લઈને શિવરાજ સિંહ રોષે ભરાયા છે. અને તેમણે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં માનહાનિનો કેસ દાખલ કરવાનું નક્કી કર્યું છે. ગઈકાલે એટલે કે 29 ઓક્ટોબરે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જાબુઆમાં એક જનસભાને સંબોધન દરમિયાન કહ્યું હતું કે, મુખ્યપ્રધાન શિવરાજ સિંહના પુત્રનું નામ પનામા પેપર્સમાં હોવા છતાં તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં રાહુલે પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાન જેવા દેશે પણ પનામા પેપર્સ કૌભાંડમાં નામ આવ્યા બાદ તેમના પૂર્વ વડાપ્રધાનને સજા ફટકારી હતી. જોકે શિવરાજ સિંહ દ્વારા આપવામાં આવેલી માનહાનિની ધમકી બાદ રાહુલ ગાંધીએ નરમ વલણ અપનાવી તેમની ભૂલ સ્વીકારી લીધી હતી.પુત્ર કાર્તિકેય પર લાગેલા આરોપોના જવાબમાં શિવરાજ સિંહે કહ્યું કે, રાહુલે તમામ હદો વટાવી દીધી છે. ટ્વિટરમાં તેમણે લખ્યું કે, કોંગ્રેસ ઘણા વર્ષોથી મારા અને મારા પરિવાર પર આરોપ લગાવી રહ્યું છે. અમે બધાનું સમ્માન કરીને મર્યાદા જાળવીએ છીએ, પરંતુ આજે રાહુલજીએ મારા પુત્ર પર પનામા પેપર્સના આરોપ લગાવીને તમામ મર્યાદા તોડી નાખી છે, અમે તેમના પર માનહાનિનો દાવો કરીશું.

કાર્તિકેય ચૌહાણે પણ તેમના પર લગાવેલા આરોપનો જવાબ આપતા કહ્યું કે, રાહુલનું નિવેદન એકદમ ખોટું છે. તેમણે 48 કલાકની અંદર માફી માગવી જોઈએ, કોંગ્રેસ અધ્યક્ષે તેમના પરિવારની પ્રતિષ્ઠાને ખંડિત કરી છે.

જોક રાહુલ ગાંધી આજે તેમના નિવેદન પર ફેરવી તોડ્યું હતું અને તેમની ભૂલ સ્વીકારી લીધી હતી. રાહુલે કહ્યું હતું કે, હું ભ્રમિત થઈ ગયો હતો. એટલા બધા કૌભાંડો છે કે, હું કન્ફ્યુઝ થઈ ગયો હતો.