જે લોકો કાંઇ નથી કરતા એ કમાલ કરે છેઃ શિવસેના કમાલ કરશે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે રસાકસી જામી છે. એક તરફ, ભાજપે શિવસેના સાથે સરકાર બનાવવા પર જોર આપતા વાતચીત માટે 24 કલાક દરવાજા ખુલ્લા હોવાનો દાવો કર્યો અને બાજી શિવસેનાના તરફ મૂકી દીધી છે. તો બીજી તરફ શિવસેના દ્વારા એક નવું ટ્વીટ આવ્યું છે જેના ઘણા અર્થ નિકળી શકે છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ડેડલોક વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યું, કે જે લોકો કંઈપણ નથી કરતા તે લોકો કમાલ કરે છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ સંજય રાઉતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ રહી છે. રાઉતે કહ્યું કે, આ ન્યાય અને અધિકારોની લડાઈ છે, જીત અમારી થશે.

મહારાષ્ટ્રમાં સરકારના ગઠન પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે એક દિવસ પહેલા જ શિવસેનાના નેતા કિશોર તિવારીએ RSS પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષનું સમાધાન લાવવાની જવાબદારી સોંપવી જોઈએ. ભાગવતને લખેલા પત્રમાં તિવારીએ કહ્યું કે RSS પ્રમુખે આ સ્થિતીની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને મહારાષ્ટ્રમાં સરકારના ગઠનમાં સમસ્યાને દૂર કરવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ, તેમણે કહ્યું કે લોકો આ મામલે સંઘના મૌનથી ચિંતિત છે.