શત્રુઘ્ન સિન્હા કોલકાતામાં વિપક્ષી રેલીમાં જોડાયા; ભાજપમાંથી કાઢી મૂકવામાં આવે એનો ડર નથી

નવી દિલ્હી – બિહારના પટના સાહિબ લોકસભા મતવિસ્તારના ભાજપના સંસદસભ્ય શત્રુઘ્ન સિન્હાએ શનિવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં વડાં મમતા બેનરજીની આગેવાની હેઠળ યોજાઈ ગયેલી વિપક્ષી રેલીમાં હાજરી આપીને ભાજપનાં અમુક નેતાઓને નારાજ કર્યા છે.

તે રેલી કોલકાતામાં બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તે રેલી નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધમાં યોજવામાં આવી હતી તે છતાં સિન્હા, જે બોલીવૂડના પીઢ અભિનેતા છે, એમણે તે હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સિન્હા ભાજપની નેતાગીરીથી કેટલાક મુદ્દે નારાજ છે.

શનિવારની રેલીમાં પણ સિન્હાએ એવું નિવેદન કર્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સરકાર બદલાવી જોઈએ. એમણે તેમ પણ કહ્યું હતું કે આ રેલીમાં હાજરી આપવા બદલ જો ભાજપમાંથી એમને હાંકી કાઢવામાં આવે એનો પોતાને કોઈ ડર નથી.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું કે સિન્હા તકવાદી છે. એ સંસદસભ્ય તરીકે ભાજપમાં રહીને સુવિધાઓનો આનંદ માણે છે, પરંતુ સાથોસાથ અનેક મંચો પર જઈને પાર્ટી વિરુદ્ધ જુદી જુદી વાતો કરે છે. ભાજપ આવા લોકો સામે પગલું ભરે એ મહત્ત્વનું છે. પાર્ટી એની નોંધ લેશે.

એમણે એમની હિન્દી ફિલ્મોના જોરદાર સંવાદોની સ્ટાઈલમાં જણાવ્યું કે, મારા મોટા ભાઈ યશવંત સિન્હા કહેતા હતા કે મને ભાજપમાંથી ચોક્કસ કાઢી મૂકવામાં આવશે. મેં એમને કહ્યું, કોઈ બાત નહીં. હું ભારતીય જનતા પાર્ટીમાં છું, પણ એની પહેલાં હું ભારતની જનતા સાથે છું.