પત્ની સુનંદાને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાનો શશી થરૂર પર આરોપ મૂકાયો

નવી દિલ્હી – કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં રહસ્યમય મૃત્યુના સંબંધમાં એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો થરૂર પર આજે દિલ્હી પોલીસે આરોપ મૂક્યો છે.

પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દર સિંહની કોર્ટમાં આરોપનામું નોંધાવ્યું છે. એમાં કોંગ્રેસના સંસદસભ્ય થરૂરનું નામ આપ્યું છે. પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 498-એ અને 306 હેઠળ થરૂર સામે ગુનો નોંધ્યો છે. કલમ 498-એ કોઈ સ્ત્રી પર જુલમ ગુજારવા બદલ એનાં પતિ કે પતિના સંબંધી સામે ગુનાને લગતી છે તો કલમ 306 આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાને લગતી છે.

2018ના માર્ચમાં એક ખાનગી રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી. એ રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે તપાસનીશ અધિકારીઓને ખબર પણ હતી કે સુનંદાની હત્યા કોણે કરી હતી.

સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આલોક શર્માએ સુનંદાનું જ્યાં મૃત્યુ થયું હતું એ લીલા હોટેલ ખાતે જઈને નિરીક્ષણ કર્યું હતું અને એમણે એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે સુનંદાએ આત્મહત્યા કરી નહોતી.

2014ની 17 જાન્યુઆરીએ દિલ્હીની હોટેલ લીલા પેલેસમાં રૂમ નંબર 345માં સુનંદા પુષ્કર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને એ તારીખે રાતે 9 વાગ્યે એની જાણ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, સુનંદાએ 2014ની 15 જાન્યુઆરીએ સાંજે 5.46 વાગ્યે હોટેલમાં ચેકઈન કર્યું હતું અને ત્યારે એમને રૂમ નંબર 307 આપવામાં આવી હતી, પરંતુ બાદમાં 16 જાન્યુઆરીએ બપોરે તે રૂમ નંબર 345માં શિફ્ટ થયા હતા.

મારી સામેનો આરોપ હાસ્યાસ્પદઃ શશી થરૂર

દરમિયાન, દિલ્હી પોલીસે મૂકેલા આરોપ અંગે પ્રતિસાદ આપતા શશી થરૂરે કહ્યું છે કે સુનંદાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો મારી પરનો આરોપ માનવામાં ન આવે એવો અને હાસ્યાસ્પદ છે. હું એની સામે પૂરી તાકાતથી લડી લઈશ.

થરૂરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મારી સામેના હાસ્યાસ્પદ આરોપની મેં નોંધ લીધી છે અને એની સામે હું પૂરી તાકાતથી લડી લઈશ. જે લોકો સુનંદાને ઓળખતા હતા એમાંનું કોઈ એ નહીં માને કે એ ક્યારેય આત્મહત્યા કરે.
થરૂરે દિલ્હી પોલીસની તપાસ તથા ઈરાદા વિશે શંકા પણ વ્યક્ત કરી છે.

જોકે દિલ્હી પોલીસે એવી દલીલ કરી છે કે એણે મેડિકો-લીગલ તથા ફોરેન્સિક પુરાવાના આધારે જ ચાર્જશીટ ફાઈલ કરી છે.

httpss://twitter.com/ShashiTharoor/status/995977116884729856

httpss://twitter.com/ShashiTharoor/status/995977356933136384