શ્રીનગરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ પૂરી થઈ છે. સુરક્ષા દળોએ 16 કલાક ચાલેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા, આતંકવાદીઓના કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી કિલો ફોર્સ) એચએસ સાહીએ શ્રીનગર અથડામણ પૂરી થયા પછી સંવાદદાતાઓને આ વાત કરી હતી. આ આતંકવાદીઓ કયા સંગઠનથી હતા, એની પોલીસ તપાસ કરી રહી છે.

સુરક્ષા એજન્સીઓને કેટલાક દિવસોથી સૂચના મળી હતી કે આતંકવાદીઓ શ્રીનગર-બારામુલા હાઇવે પર હુમલો કરવા માટે તકની રાહ જોઈ રહ્યા છે. આટલું જ નહીં, કેટલાક આતંકવાદીઓ હાઇવેથી નજીકના વિસ્તારમાં જોવા મળ્યા હતા. એની સૂચના મળ્યા પછી સુરક્ષા દળોએ તેમનાં જાસૂસી તંત્રોને સક્રિય કર્યાં હતાં. એ પછી સુરક્ષા દળોને માલૂમ પડ્યું હતું કે બે-ત્રણ આતંકકવાદીઓ શ્રીનગરના બારામુલા હાઇવે પર એચએમટી ક્ષેત્રના લવેપોરા વિસ્તારમાં નૂરા હોસ્પિટલની સામેના મકાનમાં આવવાના છે. એ પછી સેનાની 2 આરઆર બટાલિયન, પોલીસ, અને સીઆરપીએફની સંયુક્ત ટુકડી ત્યાં પહોંચીને બધા આતંકવાદીઓને સમર્પણ કરવા કહ્યું હતું. પણ સામસામા ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ આતંકવાદીઓ 26 જાન્યુઆરીએ મોટા હુમલો કરવા માટે કાવતરું બનાવતા હતા, પરંતુ સુરક્ષા દળોએ એ યોજનાને નિષ્ફળ બનાવી હતી. આતંકવાદીઓ પાસેથી એક એકે-47 રાઇફલ, બે પિસ્તોલ અને કેટલાક ગ્રેનેડ્સ મળ્યા હતા.