હિમાચલ પ્રદેશમાં સ્કૂલ બસ ખીણમાં પડી; 27 બાળકો સહિત 30નાં મરણ

શિમલા – હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આજે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આશરે 35-40 વિદ્યાર્થીઓ સાથેની એક સ્કૂલ બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 27 બાળકો સહિત 30 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજાં અનેક બાળકો ઘાયલ થયા છે.

મૃતકોમાં બે શિક્ષક અને બસ ડ્રાઈવર મદનલાલ (67)નો પણ સમાવેશ થાય છે.

આ દુર્ઘટના નુરપુર-ચમ્બા રોડ પર ગુરચલ ગામ નજીક બની હતી.

તમામ બાળકો વઝીર રામસિંહ પઠાણીયા મેમોરિયલ પબ્લિક સ્કૂલના હતા અને પાંચમા ધોરણમાં ભણતા હતા. સ્કૂલ બપોરે 3 વાગ્યે છૂટી ગયા બાદ બાળકોને એમના ઘેર ડ્રોપ કરવા માટે બસ રવાના થઈ હતી.

બસનો ડ્રાઈવર ભૂતપૂર્વ મિલિટરી જવાન હતો. ડ્રાઈવર સ્ટિયરિંગ પરનો અંકુશ ગુમાવી બેઠો હતો અને એને લીધે બસ રસ્તા પરથી ગબડીને ખીણમાં પડી હતી.

ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકોનાં માતા-પિતાનાં હૃદયદ્રાવક રુદનથી વાતાવરણ ગંભીર બની ગયું હતું. એક મૃત વિદ્યાર્થીના પિતાએ રડતાં રડતાં કહ્યું હતું કે બસ બહુ બિસ્માર હાલતવાળી હતી.

બચાવ કામગીરી ચાલુ છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટૂકડી અકસ્માતના સ્થળે પહોંચી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]