બધા રાજ્યોને ડો. આંબેડકરના નામમાં ‘રામજી’ જોડવા જણાવશે અનુસૂચિત જાતિ આયોગ

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિતેલા દિવસોમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામમાં ‘રામજી’ જોડવાનો આદેશ આપ્યો હતો. UP સરકારના આ નિર્ણય બાદ BSP ચીફ માયાવતી સહિત તમામ દલિત સંગઠનોએ આ નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી હતી. પરંતુ હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા દેશના બધા રાજ્યોને ડો. આંબેડકરના નામ સાથે ‘રામજી’ જોડવાનું જણાવવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે, બાબાસાહેબ આંબેડકરના પિતાનું નામ રામજી સકપાલ હતું.ઉત્તરપ્રદેશ સરકારે ડો. આંબેડકરના નામમાં ‘રામજી’ લખવા પાછળનો તર્ક રજૂ કરતા જણાવ્યું હતું કે, બાબાસાહેબ પોતે પણ તેમનું નામ ‘ભીમરાવ રામજી આંબેડકર’ લખતા હતા અને મહારાષ્ટ્રમાં વ્યક્તિના નામની સાથે પિતાનું નામ જોડવાની પરંપરા રહી છે.

અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન રામશંકર કઠેરિયાએ જણાવ્યું કે, જો તેમને બાબાસાહેબ ડો. આંબેડકરના પુરા નામને દેશભરમાં જારી કરવાની અપીલ કરવામાં આવશે તો તેઓ આ અંગે વિચાર કરશે. વધુમાં રામશંકર કઠેરીયાએ જણાવ્યું કે, ‘હું દેશના બધા મુખ્યપ્રધાનોને જણાવીશ કે, સંવિધાનની મુળ કોપીમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા લખવામાં આવેલા નામનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવે.

ગત દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ડો. આંબેડકરના નામ સાથે રામજી જોડવાનો આદેશ અપાયા બાદ વિપક્ષી દળો અને દલિત નેતાઓએ આ ઘટનાને ભગવાકરણનો પ્રયાસ ગણાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]