સારદા ચિટ ફંડ ગોટાળોઃ SC એ કોલકત્તાના રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધને હટાવ્યો

નવી દિલ્હીઃ સારદા ચિટ ફંડ ગોટાળા મામલે પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારી રાજીવ કુમારની ધરપકડ પર લગાવવામાં આવેલી રોક સુપ્રીમ કોર્ટે હટાવી દીધી છે. શુક્રવારના રોજ આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ પોતાનું કામ કરી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 7 દિવસ બાદ લાગૂ થશે. આ દરમિયાન રાજીવ કુમાર પોતાના દ્વારા કાયદાકીય પગલા ભરવા માટે સ્વતંત્ર છે. આ નિર્ણય પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી માટે એક કડક ઝાટકો છે જે આખા મામલે કેન્દ્રનું ષડયંત્ર ગણાવી રહી છે.

સીબીઆઇએ રાજીવ કુમારને સારધા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાના પુરાવા આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો અને ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેકેટ્રરી મલય ડે, ડીજીપી વીરેન્દ્ર કુમારની સામે કોર્ટની અવગણના મામલાને બંધ કરવાથી ઇનકાર કર્યો હતો. સીબીઆઇએ રાજીવ કુમારથી પૂછપરછ કર્યા બપાદ સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, રાજીવ કુમારની સામે સીબીઆઇ સ્ટેટસ રિપોર્ટમાં કરેલો ખુલાસો ઘણો ગંભીર છે, પરંતુ જોકે, રિપોર્ટ સીલબંધ કવરમાં છે, એટલે કોર્ટ માટે કોઇ આદેશ આપવો યોગ્ય નહીં ગણાય. કોર્ટે સીબીઆઇને 10 દિવસની અંદર યોગ્ય એપ્લીકેશન દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે રાજીવ કુમારને 10 દિવસની અંદર સીબીઆઇની અરજી પર જવાબ આપવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, અમે કોઇ નિર્ણય લેતા પહેલા બંને પક્ષની વાત સાંભળીશું.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇ સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલાંગમાં સીબીઆઇની સામે હાજર થશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અવગણના અરજી પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારને અવગણના નોટિસ ફટકારી હતી.