એક રાજ્યના દલિતોને બીજા રાજ્યમાં અનામતનો લાભ ન મળે: સુપ્રીમ કોર્ટનો ફેંસલો

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેન્ચે ગઈ કાલે એવું ઠેરવ્યું હતું કે અનુસૂચિત જાતિઓ કે આદિવાસીઓને માત્ર એમના વતન રાજ્યમાં જ સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળી શકશે. તેઓને અન્ય રાજ્યોમાં એ લાભ મળી શકે નહીં, પછી ભલે તેઓ પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં સ્થાયી થયા હોય.

‘ધરતીપુત્ર’ના સિદ્ધાંતને માન્ય રાખીને ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે જો કોઈ દલિત વ્યક્તિ અન્ય રાજ્યમાં શિફ્ટ થાય તો પોતાના વતન રાજ્યમાં એને અનુસૂચિત જાતિઓ-જનજાતિઓને લગતા કાયદા અંતર્ગત મળી શકનારા અધિકારો એ ગુમાવી દેશે.

સુપ્રીમ કોર્ટે જ અગાઉના ચુકાદામાં અપનાવેલા વિરોધાભાસી વલણને ધ્યાનમાં લઈને ન્યાયમૂર્તિઓ રંજન ગોગોઈ, એન.વી. રામના, આર. ભાનુમતી, એમ.એમ. શાંતનગૌદર અને એસ. અબ્દુલ નઝીરની બનેલી બેન્ચે ઉપર મુજબ ચુકાદો આપ્યો છે.