અયોધ્યા વિવાદ મોટી બંધારણીય બેન્ચને સુપરત કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે 2-1ના મેજોરિટી જજમેન્ટ દ્વારા આજે એ અરજીને નકારી કાઢી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો કેસ પાંચ-ન્યાયાધીશોની મોટી બંધારણીય બેન્ચને સુપરત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે એ અરજીને નકારી કાઢવા સાથે આ કેસ ત્રણ-જજની બેન્ચને સોંપ્યો છે જે આવતી 29 ઓક્ટોબરથી સુનાવણી શરૂ કરશે.

આજની સુનાવણી ત્રણ જજે કરી હતી. જેની આગેવાની દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ લીધી હતી. આ બેન્ચના એક જજ અશોક ભૂષણે ત્રણેય જજની વતી ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. એમણે કહ્યું હતું કે આ કેસ બંધારણીય બેન્ચને સોંપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

કેટલાક મુસ્લિમોએ નોંધાવેલી પીટિશન્સ ઉપર બેન્ચે આજે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. મુસ્લિમોએ એમની પીટિશનમાં એવી વિનંતી કરી હતી કે અલાહબાદ હાઈકોર્ટે 2010માં આપેલા ચુકાદામાં જમીનની માલિકીના વિવાદને ત્રણ ભાગમાં વહેંચી દીધા હતા. આ કેસને કોઈ બંધારણીય બેન્ચ સમક્ષ મૂકવો જોઈએ, કારણ કે આમાં વાત 1994ની સાલના એક ચુકાદાની ફેરવિચારણા કરવાને લગતો છે. એ ચુકાદો સુપ્રીમ કોર્ટની પાંચ-જજની બેન્ચે આપ્યો હતો. એ બેન્ચે એવું ઠેરવ્યું હતું કે નમાઝ પઢવા માટે મસ્જિદને ઈસ્લામનો આવશ્યક ભાગ ગણવામાં આવતી નથી.

અરજદારોએ એવી દલીલ કરી હતી કે 2010માં, જમીનના ટાઈટલ અંગે નિર્ણય લેતી વખતે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે 1994માં પાંચ-જજની બેન્ચે આપેલા ચુકાદામાં પોતાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.

તે છતાં પોતાના નાખુશ ચુકાદામાં ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીરે જણાવ્યું હતું કે 1994ના ઈસ્માઈલ ફારુકી કેસના ચુકાદામાં ફેરવિચારણા કરવાની જરૂર છે અને કેસને સાત-જજની મોટી બેન્ચને સુપરત કરવો જોઈએ.

ન્યાયમૂર્તિ ભૂષણે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે ઈસ્માઈલ ફારુકી કેસમાં જજોએ વ્યક્ત કરેલા અનુમાનને કેસના નિર્ણાયક પરિબળ તરીકે લેવાની જરૂર નથી.

ન્યાયમૂર્તિ નઝીરે એમના માઈનોરિટી જજમેન્ટમાં કહ્યું હતું કે કોઈ ધર્મની આવશ્યક પ્રથા અંગેનો નિર્ણય બંધારણીય બેન્ચે જ લેવો જોઈએ અને ત્યારબાદ જ અયોધ્યા જમીન કેસમાં સુનાવણી કરવી જોઈએ. નમાઝ પઢવા માટે મસ્જિદ ઈસ્લામનો આવશ્યક હિસ્સો છે કે નહીં એ નિર્ણય ધાર્મિક માન્યતાને ધ્યાનમાં લઈને લેવો જોઈએ. એ માટે વિગતવાર વિચારણા થવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]