જમણેરી ઝોકવાળા કાર્યકર્તાઓની નજરકેદની મુદત સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેંબર સુધી લંબાવી

નવી દિલ્હી – મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ ગામોમાં થયેલી કોમી હિંસાના કેસના સંબંધમાં પકડાયેલા પાંચ જમણેરી વિચારસરણીવાળા કાર્યકર્તાઓની નજરકેદની મુદત સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેંબર સુધી લંબાવી દીધી છે.

ગઈ 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે આ પાંચેય જણને નજરકેદમાં રાખવા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અસંતોષ તો લોકશાહીનો સેફ્ટી વાલ્વ જેવો ગણાય.

દેશના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને ન્યાયમૂર્તિઓ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચુડની બેન્ચે ઈતિહાસવિદ્દ રોમિલા થાપર તથા અન્ય ચાર જણે નોંધાવેલી અરજી પરની સુનાવણી 17 સપ્ટેંબર સુધી મુલતવી રાખી છે. આ માટે એવી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારોનો કેસ લડતા સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી કોઈક અન્ય કોર્ટના કેસમાં વ્યસ્ત હતા.

મહારાષ્ટ્ર પોલીસે પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાના સંબંધમાં જે પાંચ જણની ધરપકડ કરી છે એમના નામ છે – વરવરા રાવ, અરૂણ ફરેરા, વેર્નન ગોન્સાલ્વીઝ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા. પોલીસે આ પાંચેય જણને ગઈ 28 ઓગસ્ટે પકડ્યા હતા. એવો આરોપ મૂકાયો છે કે ગયા વર્ષની 31 ડિસેંબરે એલ્ગાર પરિષદ સંસ્થાના એક સંમેલનમાં કરાયેલા અમુક ભડકાવનારા ભાષણોને પગલે ભીમા-કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]