કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં ‘લોકશાહી બચાવો દિવસ’ મનાવશે

નવી દિલ્હી – કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપ સાથે મળી જઈને અને એકતરફી નિર્ણય લઈને ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પાને રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાનું આમંત્રણ આપ્યું એના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આવતીકાલ, 18 મેના શુક્રવારે દેશભરમાં ‘લોકશાહી બચાવો દિવસ’ મનાવશે.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ શુક્રવારે તમામ રાજ્યોના પાટનગર શહેરો તથા જિલ્લા મુખ્યાલયો ખાતે વિરોધ-દેખાવો યોજશે.

તમામ રાજ્યોના કોંગ્રેસી વડાઓને શુક્રવારે પત્રકારો પરિષદો યોજવા અને પોતપોતાના રાજ્યના ગવર્નરોને આવેદનપત્ર આપવાની સૂચના આપવામાં આવી છે. એ આવેદનપત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિનંતી કરવામાં આવશે કે તેઓ લોકતાંત્રિક સિદ્ધાંતો તથા બંધારણની પવિત્રતાનું રક્ષણ કરે.

પક્ષના તમામ રાજ્ય એકમોને લખેલા પત્રમાં કોંગ્રેસના મહામંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે કે કોંગ્રેસે જનતા દળ-સેક્યૂલરની સાથે મળીને કર્ણાટકના વિધાનસભ્યોના નામોની એક યાદી સુપરત કરી હતી જેમાં આ ગઠબંધનની સરકારની રચવા કરવા માટે આવશ્યક કરતાં વધારે સંખ્યા છે.

તે છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપીને એમના હોદ્દાના મોભાને ઉતારી પાડ્યો છે. એમણે ગેરબંધારણીય રીતે પગલું ભર્યું છે, એમ ગેહલોતે કહ્યું છે.