સમજૌતા બ્લાસ્ટ કેસ: NIAની કોર્ટે અસીમાનંદ સહિત આરોપીઓને દોષમુક્ત કર્યાં

નવી દિલ્હી- સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં હરિયાણાના પંચકૂલાની વિશેષ NIA કોર્ટે આજે મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે ચારેય આરોપીઓ અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાન અને રાજિન્દર ચૌધરીને દોષમુક્ત જાહેર કર્યા છે. સાથે કોર્ટે પાકિસ્તાનની મહિલા રાહિલા વકીલની અરજીને ફગાવી છે.

તમને જણાવી દઈએ કે, 18 ફેબ્રુઆરી 2007ના રોજ દિલ્હીથી લાહોર જઇ રહેલી સમજૌતા એક્સપ્રેસમાં હરિયાણાના પાણીપત જિલ્લાના દિવાન સ્ટેશન નજીક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 68 લોકોના મોત થયા હતાં જ્યારે 12 લોકો ઘાયલ થયાં હતાં.

પાકિસ્તાની મહિલા રાહિલા વકીલે NIA કોર્ટમાં અરજી આપી હતી. પોતાની અરજીમાં તેમણે કેટલાક વધારાના સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરવાની અપીલ કરી હતી. જેના પર કોર્ટે કહ્યું કે, સાક્ષીઓને 6 વાર સમન્સ મોકલવામાં આવ્યું પરંતુ તેઓ કોર્ટ સમક્ષ હાજર થયાં નથી.

19 ફેબ્રુઆરી 2007ના રોજ જીઆરપી/એસઆઈટી હરિયાણા પોલિસે ફરિયાદ દાખલ કરી અને લગભગ અઢી વર્ષ બાદ આ ઘટનાની તપાસની જવાબદારી 29 જુલાઈ 2010ના રોજ રાષ્ટ્રીય તપાસ ઍજન્સી એટલે કે એનઆઈએને સોંપવામાં આવી. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું કે જે લોકોએ હુમલો કર્યો તેઓ દેશનાં વિવિધ મંદિરો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી ભડકેલા હતા.

એનઆઈએની પંચકુલામાં આવેલી વિશેષ કોર્ટમાં આ ચારેય આરોપીઓ મામલે 2011થી 2012 વચ્ચે ત્રણ વખત ચાર્જશીટ ફાઈલ થઈ હતી.

કોણ છે સ્વામી અસીમાનંદ

69 વર્ષીય સ્વામી અસીમાનંદનું સાચુ નામ નબલકુમાર સરકાર છે. તેમનો જન્મ પશ્વિમ બંગાળના હુગલી જિલ્લામાં થયો હતો. નાનપણથી જ સ્વામી અસીમાનંદ આરએસએસ સાથે જોડાયેલા છે. સ્વામીએ ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન પણ કર્યું છે.