કાળા હરણ શિકાર કેસ: સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા

જોધપુર- વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. આ ઉપરાંત સલમાન ખાનને રુપિયા 10 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવશે. આ કેસમાં સલમાન ખાન ઉપરાંત અભિનેતા સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ, અને સોનાલી બેન્દ્રે પણ આરોપી હતા. જેમાં કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જ્યારે બાકીના તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1998ના આ કેસમાં જોધપુર કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

હરણના શિકારનો કેસ કાંકાણી ગામમાં ઓકટોબર 1998માં નોંધાયો હતો. આરોપ મુજબ સલમાન ખાન અને તેના સાથીઓએ એક અને બે ઓક્ટોબર 1998ની રાત્રે કાંકાણી ગામે બે કાળા હરણનો શિકાર કર્યો હતો. આ કેસ આર્મ્સ એક્ટમાં વધારાની કાર્યવાહીને કારણે જુલાઇ 2012થી વિલંબિત હતો.