છેવટે ગોડસે પર આપેલા નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરે સંસદમાં માફી માગી

નવી દિલ્હી:  ભોપાલથી ભાજપા સાંસદ પ્રજ્ઞા ઠાકુરે તેમના વિવાદિત નિવેદનને લઈને લોકસભામાં માફી માંગી છે અને કહ્યું કે તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈને પણ મારા નિવેદનથી ઠેસ પહોંચી હોય તો એના મને પસ્તાવો છે અને હું માફી માગુ છું.

સાધ્વી પ્રજ્ઞાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર જ તેમના પર પ્રહાર કરતા કહ્યું કે, લોકસભાના એક સભ્યએ મને સાર્વજનિક રીતે આતંકવાદી કહ્યું. મારી વિરુદ્ધમાં સરકાર દ્વારા કરાયેલા ષડયંત્રને લઈને મને આતંકવાદી કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મારા પર કોઈ આરોપ સિદ્ધ થયો નથી. વગર આરોપે આતંકી કહેવું ગેરકાનૂની છે. મને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવમાં આવ્યું. મારા સમ્માન પર હુમલો કરીને મને અપમાનિત કરવામાં આવી. મહત્વનું છે કે, આજે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે સાધ્વી પ્રજ્ઞાએ મુલાકાત કરી હતી.

બીજી તરફ કોંગ્રેસના એક ધારાસભ્યએ સાધ્વી પ્રજ્ઞાના આ વિવાદિત નિવેદન પર આક્રોશ પ્રગટ કરતા સાધ્વીને સળગાવી દેવાની ધમકી આપી છે. ધારાસભ્યએ કહ્યું કે, હું માત્ર સાધ્વીનું પુતળુ જ નહીં પણ તેમને પણ સળગાવી દઈશ.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સંસદમાં નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ પ્રજ્ઞા સિંહ ઠાકુર પર તેમની જ પાર્ટી ભાજપે કિનારો કરી લીધો હતો. સંસદમાં ગોડસેને દેશભક્ત ગણાવનારા નિવેદન પર પ્રજ્ઞા વિરુદ્ધ સરાકરે કડક કાર્યવાહી કરતા સાધ્વીને સંસદીય દળની બેઠકમાં ભાગ લેતા અટવવાની સાથે જ રક્ષા મંત્રાલયની સલાહકાર સમિતિમાંથી પણ પ્રજ્ઞાને બહાર કરી દીધી છે.

રાજકીય વિવાદની વચ્ચે પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે પોતાનો બચાવ કરતા કહ્યું કે ક્યારેય જૂઠાણું એટલું સાચું નથી હોતું કે દિવસે પણ રાત દેખાય. સૂર્ય પોતાનો પ્રકાશ ક્યારેય ખોવા દેતો નથી. સૂર્યનો પ્રકાશ અસ્થાયી છે. સત્ય છે કે મેં ઉધમસિંહનું અપમાન સહ્યું નહીં.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતુ કે, મહાત્મા ગાંધીની હત્યા ગોડસે એ નહતી કરી. પ્રજ્ઞાના આ નિવેદનની ભારે ટીકા થઈ હતી અને વડાપ્રધાન મોદીએ તો ત્યાં સુધી કહી દીધુ હતું કે, આના માટે હું કોઈ દીવસ પ્રજ્ઞાને દિલથી માફ નહીં કરી શકુ.