નિવૃત્ત એરફોર્સકર્મીએ સંરક્ષણ મંત્રાલયને 1 કરોડ આપ્યાં દાનમાં, કહ્યું…

નવી દિલ્હી- તમે કદાચ આ સાંભળ્યું હશે કે જવાન ભલે સેનામાંથી નીકળી જાય પરંતુ તેમની અંદરના આર્મીમેનને બહાર કાઢવો અશક્ય છે. આ વાતને સાચી કરી બતાવી છે, એરફોર્સમાંથી નિવૃત્ત થયેલાં 74 વર્ષીય જવાન સીબીઆર પ્રસાદે. નિવૃત્ત સીબીઆર પ્રસાદે તેમના જીવનની તમામ બચત સંરક્ષણ મંત્રાલયને દાનમાં આપી છે. દાન કરેલી રકમ 1 કરોડથી પણ વધુ છે.

સીબીઆર પ્રસાદે જણાવ્યું કે 9 વર્ષ સુધી એરફોર્સમાં સેવા કરી ત્યાર બાદ તેમણે  રોજગાર માટે એક પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યુ. જીવનમાં તમામ જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી મને લાગ્યું કે હવે સંરક્ષણ ક્ષેત્ર માટે કંઈક કરવું જોઈએ. પછી મે 1.08 કરોડ રૂપિયા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો.

પ્રસાદે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની મુલાકાત લઈને તેમને ચેક સોંપયો હતો. તેમને સમાજની મદદ કરવા માટે પોલ્ટ્રી ફાર્મમાં 30 વર્ષ સુધી ઘણી મહેનત કરી. ત્યારબાદ તેમને એક સ્પોર્ટસ યૂનિવર્સિટીની પણ સ્થાપના કરી. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તેમના પરિવારે આ કામ માટે પરવાનગી આપી, ત્યારે પ્રસાદે કહ્યું કે તેમાં કોઈ મુશ્કેલી નથી. પ્રસાદે તેમની મિલકતમાંથી તેમની પુત્રીને 2 ટકા, પત્નીને 1 ટકા અને 97 ટકા કમાણી કે બચત સમાજને દાન કરી છે. મારા માટે આ સમાજને પરત આપવા જેવું છે. પ્રસાદે જણાવ્યું કે, એક સમયે મારા ખિસ્સામાં માત્ર 5 રૂપિયા હતા અને મહેનત કરીને મે મારા જીવનમાં 500 એકર જમીન ખરીદી લીધી. જેમાંથી 5 એકર તેમણે તેમની પત્નીને અને 10 એકર તેમની પુત્રીને આપી દીધી.

પૂર્વ એરફોર્સ કર્મી પ્રસાદ જણાવે છે કે, તે દેશ માટે ઓલ્મ્પિક મેડલ જીતવા માંગતા હતાં, પરંતુ તે શક્ય ન બન્યું. હવે તે તેમના સપનાને દેશના અન્ય બાળકો પાસેથી પૂર્ણ થવાની આશા રાખે છે. આ માટે તેમણે સ્પોર્સ યુનિવર્સિટી પણ ખોલી છે.  તેમને કહ્યું કે રાજનાથ સિંહ આ જોઈને ખુશ થઈ ગયા કે એક નાના સૈનિકે જીવનની તમામ બચત સંરક્ષણ મંત્રાલયને આપી દીધી.