રોહિત શેખર હત્યાકેસમાં પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ

નવી દિલ્હી-  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વખત યુપી અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહેલા નારાયણ દત્ત તિવારી (એનડી તિવારી)ના દીકરા રોહિત શેખર તિવારીના સંદિગ્ધ હાલતમાં થયેલા મોતના મામલે પોલીસે તેમની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી છે. ગત રવિવારે પોલીસે અપૂર્વા શુક્લા અને ઘરના બે નોકરોને કસ્ટડીમાં લીધા હતાં. શનિવાર રાતે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અપૂર્વાની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દિવંગત એનડી તિવારીની પત્ની અને રોહિત શેખરની મા ઉજ્જવલાએ શુક્રવારે કહ્યું હતું કે તેમના દીકરા અને વહુ વચ્ચેના સંબંધો સારા નહતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સમાચાર મારા માટે એક આંચકારૂપ છે. મને હજી વિશ્વાસ નથી આવી રહ્યો કે, મારા દીકરાની હત્યા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, એવું તો શું થયું કે, રોહિત બપોરે 4 વાગ્યા સુધી ઊંઘતો જ રહ્યો. શેખર અને તેની પત્ની વચ્ચે લગ્નના પહેલા દિવસથી જ વિવાદ ચાલતો હતો.

આ પહેલા આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોતના થોડાક દિવસ પહેલા રોહિત શેખર અને તેની પત્ની અપૂર્વાની વચ્ચે ઘણા ઝઘડા થયા હતા. ઝઘડા બાદ અપૂર્વા પોતાના પિયર ઈન્દોર જતી રહી હતી. લગભગ 15 દિવસ પહેલા જ તે દિલ્હીથી પરત ફરી હતી.

પોલીસને જ્યારે અપૂર્વાની શુક્લા પર શક થયો તો અપૂર્વાના પિતાએ કહ્યું કે મારી દીકરી નિર્દોષ છે. તેઓએ કહ્યું કે મારા જમાઈ અને દીકરીની વચ્ચે સંબંધો સારા હતા અને તેની પર શક કરવાનો કોઈ અર્થ નથી. તે બંનેની વચ્ચે કોઈ તણાવ નથી જોવા મળ્યો.

મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંનેના છૂટાછેડા પર અંતિમ નિર્ણય જૂનમાં થવાનો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત અને અપૂર્વાની મુલાકાત એક મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી 2017માં થઈ હતી.

એનડી તિવારીના દીકરા રોહિત શેખર તિવારીના ઘરની અંદર 6 લોકો હતાં. હત્યા પહેલા ન કોઈ બહારથી ઘરની અંદર આવ્યું, ન તો ઘરથી કોઈ બહાર ગયું. તેમ છતાંય 6 માંથી એકની હત્યા થઈ. ઘરની અંદર અને બહાર કુલ સાત સીસીટીવી કેમરા લાગ્યા હતાં. પરંતુ સાતમાંથી બે કેમેરા ખરાબ હતાં. બંને ખરાબ કેમેરા રોહિત શેખરના બેડરુમના દરવાજાની પાસેના જ હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]