અમિત શાહને સોહરાબુદ્દીન શેખ મામલામાં હાઇકોર્ટે આપી રાહત

મુંબઈ- સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને આરોપમુક્ત કરવાના નીચલી અદાલતના ચુકાદાને પડકાર નહીં આપવા CBIના નિર્ણય સામે નોંધાયેલી એક જનહિત અરજીને મુંબઈ હાઈકોર્ટે નકારી કાઢી છે.જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે જણાવ્યું કે, અદાલત અરજી પર કોઇ રાહત આપવા માટે ઈચ્છુક નથી. બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી નોંધાયેલી અરજીના મામલામાં અમિત શાહને આરોપ મુક્ત કરવાના નિર્ણયને પડકારતા CBIના નિર્ણય પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

કોર્ટે પોતાના નિર્ણયમાં જણાાાવ્યું કે, ‘અમે અરજીને નકારી રહ્યાં છીએ. અમે કોઇ રાહત આપવા માગતા નથી. ખાસ કરીને જ્યારે અરજીકર્તાઓ એક સંગઠન છે અને તેના આ મામલા સાથે કોઈ જ સંબંધ નથી’.

CBIની વિશેષ અદાલત દ્વારા વર્ષ 2014માં આ મામલામાં અમિત શાહને આરોપ મુક્ત કરવામાં આવ્યાં હતાં. આપને જણાવી દઈએ કે, સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બી વર્ષ 2005માં ગુજરાત પોલીસના કથિત એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતાં.