ભારત અને કેનેડાના સંબંધો શું કામ છે મહત્વપૂર્ણ? જાણો આ 10 મુદ્દા

નવી દિલ્હી- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો હાલમાં પરિવાર સહિત ભારત પ્રવાસે આવ્યા છે. જસ્ટિન ટ્રૂડો ઉત્તરપ્રદેશ અને ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે. હવે તેઓ પંજાબમાં અમૃતસર સુવર્ણ મંદિરની મુલાકાતે પણ જશે. ટ્રૂડોના ભારત પ્રવાસનું મુખ્ય લક્ષ્ય બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનું છે. આપને જણાવી દઈએ કે, કેનેડા માટે ભારત ઘણો મહત્વનો દેશ છે. કેનેડામાં ભારતીય મૂળના આશરે 12 લાખ લોકો વસવાટ કરે છે.1. ભારત અને કેનેડા વચ્ચે વિદેશ નીતિ, વ્યાપાર, રોકાણ, નાણાંકીય અને ઉર્જાના મામલાઓ ઉપર તમામ ચર્ચાઓ બાદ રાજકીય ભાગીદારી સ્થાપિત કરવામાં આવી છે. બન્ને દેશો વચ્ચે આતંકવાદ નિરોધક, સુરક્ષા તેમજ કૃષિ અને શિક્ષા ક્ષેત્રમાં મહત્વનો સહયોગ કરવામાં આવ્યો છે.

2. ભારત અને કેનેડા વચ્ચે વર્ષ 2016માં 6.05 અબજ ડોલરનો દ્વિપક્ષીય વ્યાપાર હતો, જે વર્ષ 2010ના 3.21 અબજ ડોલરની સરખામણીમાં લગભગ બમણો થઈ ગયો છે.

3. વર્ષ 2016માં કનેડામાં ભારતે 209.35 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જ્યારે આ સમયગાળા દરમિયાન કેનેડાએ ભારતમાં 90.11 કરોડ ડોલરનું FDI કર્યું હતું.

4. કેનેડાના વૈશ્વિક વ્યાપારમાં ભારતનો હિસ્સો હજી માત્ર 1.95 ટકા જ છે. ભારતમાંથી કેનેડામાં હીરા-જવેરાત, રત્નો, દવાઓ, રેડીમેડ કપડાં, ઓર્ગેનિક સરાયણ, હળવા એન્જિનિયરિંગ સામાન, લોખંડ અને સ્ટીલની નિકાસ કરવામાં આવે છે.

5. જ્યારે કેનેડાથી ભારતમાં દાળ, અખબારના કાગળ, વૂડ પલ્પ, પોટાશ, તાંબાની ધાતુ અને ઔદ્યોગિક રસાયણની આયાત કરવામાં આવે છે. કેનેડા માટે દાળની નિકાસ કરવા માટે ભારત એક પ્રમુખ માર્કેટ છે. વર્ષ 2016માં કેનેડાના દાળની કુલ નિકાસના 27.5 ટકા હિસ્સો ભારતે ખરીદ કર્યો હતો.

6. નવેમ્બર 2017માં ભારતે મટરની પીળી દાળના આયાત પર અંકુશ લગાવતા તેના પર ડ્યૂટી વધારી 50 ટકા સુધી કરી હતી. આ દાળનો ઉપયોગ ચણાનો લોટ બનાવવા માટે કરવામાં આવે છે.

7. આ પ્રતિબંધનો કેનેડાના ખેડૂતો પર ઘણો દુષ્પ્રભાવ જોવા મળ્યો હતો. કારણકે તેમની ખેતીની આવક મોટા ભાગે ભારત ઉપર નિર્ભર કરે છે. ભારતે ડ્યૂટી વધારવાને કારણે કેનેડાના ખેડૂતોને તેમની દાળ ઓછા ભાવે પાકિસ્તાનને આપવાની ફરજ પડી હતી. હવે કેનેડાના પીએમને આશા છે કે, પીએમ મોદી આ મુદ્દે કોઈ યોગ્ય માર્ગ કાઢશે.

8. ઉલ્લેખનીય છે કે, કેનેડાનો સ્વતંત્ર રીતે પ્રવાસ કરનારા પીએમ મોદી વર્ષ 1973 બાદ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. પીએમ મોદી વર્ષ 2015માં કેનેડાના પ્રવાસે ગયા હતા. આ પહેલા વર્ષ 2009માં તત્કાલિન પીએમ મનમોહન સિંહ કેનેડા ગયા હતા. પણ તેઓ G-20 સમિટમાં ભાગ લેવા ગયા હતા.

9. જસ્ટિન ટ્રૂડો વર્ષ 2003 પછી ભારતની મુલાકાતે આવનારા કેનેડાના ચોથા વડાપ્રધાન છે. આ પહેલા વર્ષ 2003માં કેનેડાના પીએમ જીન ચ્રેટિયન, વર્ષ 2005માં પોલ માર્ટિન અને નવેમ્બર 2009માં સ્ટીફન હાર્પર ભારત પ્રવાસે આવ્યા હતા.

10. કેનેડાના વર્તમાન પીએમ જસ્ટિન ટ્રૂડોની ભારત યાત્રાનો ઉદ્દેશ્ય ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી અને કેનેડામાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનો અને રક્ષા સોદા પર હસ્તાક્ષર કરવાનો હશે. આ ઉપરાંત પીએમ મોદી સાથેની દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન ઉર્જા સહયોગ પર હસ્તાક્ષર કરવા એ પણ કેનેડાના પીએમની પ્રાથમિકતા રહેશે.