માલ્યાની લોન્સ વિશે પોતાની પાસે રેકોર્ડ્સ ન હોવાનું જણાવનાર નાણાં મંત્રાલયનો પંચે ઉધડો લઈ નાખ્યો

નવી દિલ્હી – ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારતની અસંખ્ય બેન્કોએ આપેલી અનેક લોન વિશે પોતાની પાસે કોઈ રેકોર્ડ ન હોવાનું જણાવનાર કેન્દ્રીય નાણાં મંત્રાલયનો સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને (CIC) ઉધડો લઈ નાખ્યો છે.

CIC સંસ્થાએ માલ્યાને લગતા એક કેસ ઉપરની સુનાવણી વખતે નાણાં મંત્રાલયનો ઉધડો લઈ નાખ્યો હતો. સંસ્થાએ કહ્યું કે, મંત્રાલયનો આ જવાબ અણઘડ અને કાયદાનુસાર ટકી શકે એવો ન થી.

ચીફ ઈન્ફોર્મેશન કમિશનર આર.કે. માથુરે રાજીવ કુમાર ખરે નામના એક અરજદારે નોંધાવેલી અરજી ઉપરની સુનાવણી વખતે ઉપર મુજબ અનુમાન વ્યક્ત કર્યું હતું. એમણે નાણાં મંત્રાલયના અધિકારીને કહ્યું હતું કે અરજદારે જે રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) અરજી કરી છે એને ઉચિત જાહેર ઓથોરિટીને ટ્રાન્સફર કરવી જોઈએ.

નાણાં મંત્રાલયના અધિકારીએ એમ કહ્યું હતું કે દેશની વિવિધ બેન્કોએ માલ્યાને મંજૂર કરેલી લોન વિશે મંત્રાલય પાસે કોઈ જાણકારી/રેકોર્ડ નથી. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે લોન મેળવતી વખતે માલ્યાએ આપેલી ગેરન્ટીની વિગત પણ મંત્રાલય પાસે નથી. જોકે ભૂતકાળમાં નાણાં મંત્રાલયે સંસદમાં આ સંબંધના પ્રશ્નોના ઉત્તર જરૂર આપ્યા હતા.

નાણાં ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સંતોષ ગંગ્વારે 2017ની 17 માર્ચે માલ્યા અંગેના સવાલના જવાબમાં કહ્યું હતું કે જેનું નામ દર્શાવવામાં આવ્યું છે એ વ્યક્તિ (માલ્યા)ને 2004ના સપ્ટેંબરમાં લોન આપવામાં આવી હતી અને 2008ના ફેબ્રુઆરીમાં લોનના નિર્ણય અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ગંગ્વારે કહ્યું હતું કે રૂ. 8,040 કરોડની લોનને નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) ઘોષિત કરવામાં આવી હતી અને એનપીએનું 2010માં પુનર્ઘડતર કરવામાં આવ્યું હતું.

ગંગ્વારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કોએ જણાવ્યા મુજબ, ડીફોલ્ટર બનેલા વિજય માલ્યાની કબજે કરાયેલી પ્રોપર્ટીઓના વેચાણ માટે હાથ ધરવામાં આવેલા મેગા હરાજી વખતે કુલ લોનની રૂ. 155 કરોડની રકમ પાછી મેળવવામાં આવી હતી.

2016ની 17 નવેમ્બરે નાણાં પ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં નોટબંધી અંગેની ચર્ચામાં જણાવ્યું હતું કે માલ્યાને આપેલી લોનનો મુદ્દો જૂનો છે અને એનડીએ સરકારને અગાઉની યૂપીએ સરકાર તરફથી વારસામાં મળ્યો છે.

અરજદાર રાજીવકુમાર ખરેને માલ્યાની લોનની વિગત મેળવવા માટે કરેલી આરટીઆઈ અરજી ઉપર નાણાં મંત્રાલય તરફથી જવાબ ન મળતાં એમણે ત્યારબાદ CICમાં અરજી નોંધાવી હતી.