ભાજપના ‘શત્રુ’ બન્યા કોંગ્રેસના દોસ્ત

નવી દિલ્હી- ઘણાં વિવાદો પછી અંતે આજે શત્રુઘ્ન સિન્હાએ બીજેપીને અલવિદા કહી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા જ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ પકડયો છે. સિન્હા બિહારની પટના સાહિબ બેઠક પરથી (ભાજપના) વર્તમાન સાંસદ હતાં. આજે 6 એપ્રિલે દિલ્હીમાં રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલ અને કેસી વેણુગોપાલની હાજરીમા શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, શત્રુઘ્ન સિન્હાએ ભાજપના સ્થાપના દિવસે જ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.

શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારે હ્રદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું. 6 એપ્રિલે, જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ દિવસે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. પાર્ટીના લોકો મારા માટે પરિવાર સમાન છે.

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, ભાજપે વિરોધીઓને દુશ્મનોની જેમ સમજ્યા, જીએસટી વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે, હું કોંગ્રેસની આ વાતની સાચી માનું છું. વધુમાં કહ્યું કે, ભાજપે વરિષ્ઠ લોકોને માર્ગદર્શક મંડળમાં નાખી દીધા છે. માર્ગદર્શક મંડળની આજ સુધી એક પણ બેઠક નથી મળી.

વધુમાં સિન્હાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, યશવંત સિન્હાને એટલા મજબૂર કરવામાં આવ્યા કે, તેમણે પાર્ટી છોડવાની નૌબત આવી. ભાજપના 39માં સ્થાપના દિવસ પર હું તેમને ધન્યવાદ પાઠવું છું.

કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, શત્રુઘ્ન સિન્હાને આધ્યાત્મિક અને વૈચારિક રૂપથી ગાંધી, નેહરુ અને સરદાર પટેલના આત્માનો લગાવ રહ્યો છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસની ટીકિટ પર પટના સાહિબ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેમણે અગાઉ પણ કહ્યું છે કે, પરિસ્થિતિ ગમે તે હોઈ, લોકેશન નહીં બદલે. ભાજપે આ વખતે સિન્હાને સ્થાને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને પટના સાહિબ પરથી મેદાનમાં ઉતાર્યા છે.

મહત્વનું છે કે, શત્રુઘ્ન સિન્હાનો ભાજપ અને નરેન્દ્ર મોદી સાથે જૂનો નાતો રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે વાયબ્રન્ટ ગુજરાતમાં સમિટમાં પણ શત્રુઘ્ન સિન્હા હાજર રહેતા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]