આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ મામલે ચલકચલાણું?

નવી દિલ્હીઃ કેન્દ્રીય રિઝર્વ બેન્ક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. મંગળવાર નાણાંપ્રધાન અરુણ જેટલીએ દેશમાં બેંક એનપીએનું ઠીકરૂં હવે આરબીઆઇ પર ફોડ્યું છે, ત્યારે હવે કેન્દ્રીય રિઝર્વ બેંક ગવર્નર ઉર્જિત પટેલ પાસે હાલના વિકલ્પોમાં રાજીનામું આપવાનો વિકલ્પ પણ રહેલો  છે. વર્તમાન પરિસ્થિતિમાં ઉર્જિત પટેલના રાજીનામાંની સંભાવનાઓને રદીયો અપાયો છે પરંતુ મામલો ઠંડો પડ્યો નથી.

કેન્દ્ર સરકાર અને આરબીઆઇમાં સૂત્રોના આધાર પર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઇ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખટરાગ ઊભો થવાથી અંતર વધ્યું છે. આ અંતરને ઘટાડવું હવે અશક્ય જણાય છે. એવી સ્થિતિમાં રિઝર્વ બેન્કના અધિકારીઓનો દાવો છે કે મધ્યસ્થ બેંકની સ્વાયત્તાને ધ્યાનમાં રાખીને તેમની સામે તમામ વિકલ્પો ખુલ્લા છે.

નોંધનીય છે કે મધ્યસ્થ બેંક અને કેન્દ્ર સરકારના સંબંધોમાં આવેલી ખટાસને ગત અઠવાડિયે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ જગજાહેર કર્યું હતું. આચાર્યે જણાવ્યું કે કેન્દ્રીય બેંકની સ્વાયત્તા પર હુમલો દેશ માટે અત્યંત ખતરનાક હોઈ શકે છે.

વિરલના આ નિવેદન પછી તરત જ કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ દેશમાં બેન્કોની સામે ઊભી થયેલી એનપીએની સમસ્યા માટે કેન્દ્રિય બેંકને જવાબદાર ગણાવ્યા હતા. જેટલીએ દાવો કર્યો હતો કે 2008થી 2014 વચ્ચે દેશની બેંકોએ મોટા પ્રમાણમાં લોન આપવાનું કામ કર્યું છે. બીજી તરફ જેટલીએ આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન રિઝર્વ બેન્કો પોતાની ભૂમિકાથી વિપરિત આટલા મોટા પાયે ફંડની ફાળવણી સામે આંખ આડા કાન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]