હાર બાદ આત્મમંથન, ટીવી ડિબેટ્સમાં નહી જોડાય કોંગ્રેસના પ્રવક્તાઓ…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં આત્મમંથનનો દોર ચાલુ છે. બીજી બાજુ રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી રાજીનામું આપવા ઈચ્છે છે તો એકતરફ કોંગ્રેસે પોતાના તમામ પ્રવક્તાઓને કોઈપણ ટીવી ડિબેટમાં શામિલ ન થવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે આપણે હાર્યા છીએ ત્યારે આવામાં ટીવી ડિબેટમાં જઈને મોદી સરકાર પર પ્રહારો કરવા તે જનતાને પસંદ નહી આવે.

નવા ફરમાનને જાહેર કરતા કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટર પર લખ્યું, કે કોંગ્રેસે એક મહીના માટે ટીવી ડિબેટમાં પ્રવક્તાઓને ન મોકલવાનો નિર્ણય કર્યો છે. તમામ મીડિયા ચેનલો અને સંપાદકોને અનુરોધ છે કે તેઓ પોતાના શોમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને ન બોલાવે.

પાર્ટી સુત્રો અનુસાર આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ડિબેટમાં કેટલાક માધ્યમો મોદી સરકારનો પક્ષ લે છે. ત્યારે આવામાં માત્ર ડિબેટમાં જવું અને ત્યાં ખોટા સાબિત કરવામાં આવે તે કોઈ ફાયદાની વાત નથી. આ સાથે જ ડિબેટમાં ખેડૂત, રોજગાર, ગરીબ અને મોદીના વાયદા પર ચર્ચા નથી થઈ રહી. ત્યારે આવામાં મોદી મહિમામંડન અને હિંદુ-મુસ્લિમના મુદ્દા પર ચર્ચા કરીને હારેલા ખેલાડી બનવાથી કશો લાભ નથી. પ્રવક્તાઓ પાસે રાહુલ ગાંધીના રાજીનામાનો જવાબ નથી.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીના ખરાબ પ્રદર્શનથી નારાજ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમીટી સામે રાજીનામાની રજૂઆત કરી પરંતુ પાર્ટી ન માની. મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી પોતાના રાજીનામાની વાત પર અડગ છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓએ તેમને મનાવવાના પ્રયત્નો કર્યા હતા.

ત્યારે સમજાવટ બાદ રાહુલ ગાંધીએ પાર્ટી સામે શરત રાખી છે કે તેઓ અધ્યક્ષ પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે પરંતુ જ્યાં સુધી પાર્ટીને વિકલ્પ નહી મળે ત્યાં સુધી તેઓ જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. પાર્ટી સુત્રોનું માનીએ તો રાહુલ ગાંધી આવનારા ત્રણ-ચાર મહીનાઓ માટે પાર્ટીના અધ્યક્ષ બન્યા રહેશે. જો કે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ પાર્ટી નેતાએ મીડિયાને માહિતી આપી કે રાહુલ પોતાનો નિર્ણય બદલી શકે છે, કારણ કે તેમનો વિકલ્પ શોધવો મુશ્કેલ છે.