3 મિનિટની કાર્યવાહી અને 3 મહિના માટે ટળી ગઈ અયોધ્યા કેસની સુનાવણી

નવી દિલ્હી- અયોધ્યા વિવાદ કેસની મહત્વપૂર્ણ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં વધુ એક વાર ટળી ગઈ છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 3 મહિના માટે સુનાવણી ટાળી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષાતાવાળી બેંચે આ મામલે આગામી સુનાવણી જાન્યુઆરી 2019 સુધી સ્થગિત રાખી છે. આજની સુનાવણી માત્ર 3 મિનિટ ચાલી હતી.આ કેસ માટે જજોની નવી બેંચ નિમવામાં આવી હતી. અગાઉ આ કેસની સુનાવણી તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિશ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેંચ કરી રહી હતી. દીપક મિશ્રા દેશના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિવૃત્ત થતા તેમના સ્થાને જસ્ટિસ રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમણે આ કેસ માટે નવી બેંચની રચના કરી હતી. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એ એમ જોસેફનો સમાવેશ થાય છે.

વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા મુખ્ય જમીન વિવાદ ચુકાદાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, આ કેસ તત્કાળ સુનાવણી અંતર્ગત સંભળાવી શકાય નહીં.