જ્યારે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ બોલ્યાં ‘હવે ભગવાન જ લોકતંત્ર બચાવી શકે છે’

નવી દિલ્હી- રાજ્યસભામાં ગત બે દિવસથી નેશનલ સિટિઝન રજિસ્ટરના (NRC) ડ્રાફ્ટ પર હોબાળો થઈ રહ્યો છે. પરંતુ ગતરોજ BJP અધ્યક્ષ અમિત શાહના ભાષણ બાદ સંસદમાં ખુબ હોબાળો થયો હતો. વિરોધ પક્ષો સંસદની વેલમાં ધસી આવ્યા અને કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.અધ્યક્ષ વેંકૈયા નૈયડુએ સંસદની કાર્યવાહી વ્યવસ્થિત ચલાવવા તમામ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સફળ થયા નહીં. એમાં પણ અમિત શાહના ભાષણ બાદ TMC અને કોંગ્રેસના સાંસદોએ વેલામાં ધસી આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જે અંગે સભાપતિએ જણાવ્યું કે, સંસદમાં આવો વ્યવહાર યોગ્ય નથી. વધુમાં સભાપતિએ કહ્યું કે, આપની વાત રજૂ કરવાનો આપને અધિકાર છે પણ બીજાની વાત પણ સાંભળવી જોઈએ. આખરે વિપક્ષના હોબાળાથી કંટાળેલા સભાપતિએ કહ્યું કે, ‘હવે માત્ર ભગવાન જ લોકશાહી બચાવી શકે છે’.

રાજ્યસભામાં વેંકૈયા નાયડુ પ્રથમ વખત આટલા નિરાશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, NRC મુદ્દે સંસદમાં સકારાત્મક ચર્ચા યોજાઈ હતી. નાયડુએ કહ્યું કે, આ વરિષ્ઠ લોકોનું ગૃહ રાજ્યસભા છે અને અહીં અન્ય લોકો સામે શિસ્તનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. સમગ્ર દેશ આપણને જોઈ રહ્યો છે. મહેરબાની કરીને અહીં લોકતંત્રનો મજાક બનાવશો નહીં. વેલમાં હોબાળો કરી રહેલા વિપક્ષના સાંસદોને સભાપતિએ અનેક વખત તેમની જગ્યા ઉપર જવા જણાવ્યું પણ કોઈ સાંસદ પરત ગયા નહતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]