5 વર્ષમાં આપણે 3 વાર એર સ્ટ્રાઈક કરી છે, બેની જાણકારી આપીશઃ રાજનાથ સિંહ

બેંગલુરુ– પુલવામા હુમલા પછી એર સ્ટ્રાઈક પર ચાલી રહેલ રાજકારણ હજી સુધી બંધ થયું નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આજે સૌથી મોટુ નિવેદન આપ્યું છે. કર્ણાટકના મેંગલુરુમાં રેલીમાં સંબોધન કરતાં રાજનાથસિંહે કહ્યું હતું કે પાંચ વર્ષમાં આપણી સેનાએ ત્રણ વખત આપણી સરહદ પાર જઈને એર સ્ટ્રાઈક કરી છે, જેમાંથી બે એર સ્ટ્રાઈકની જાણકારી આપવાની વાત કરી હતી.

ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જ્યારે પાકિસ્તાનથી આવેલા આંતકવાદીઓએ જમ્મુ કશ્મીરના ઉરીમાં રાત્રે નીંદર લઈ રહેલાં આપણાં જવાનો પર હુમલો કર્યો ત્યારે 17 જવાન શહીદ થયાં હતાં. ત્યારે અમે પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, અને બીજી વખત એર સ્ટ્રાઈક આપણી સેનાએ પુલવામાના હુમલા પછી કરી હતી. પરંતુ તેમણે ત્રીજી એર સ્ટ્રાઈક અંગે જાણકારી આપી નહોતી.

જો કે તેની પહેલાં ઉરી હુમલો થયા પછી આતંકવાદીઓ પર થયલે આર્મી ઓપરેશનને સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કહી હતી. પાકિસ્તાન ઓક્યૂપાઈડ કશ્મીરમાં કરવામાં આવેલી 2016ની સર્જિકલ સ્ટ્રાઈક એ આપણાં તરફથી પહેલી સૈન્ય કાર્યવાહી હતી, જેને રાજનીતિક મંજૂરી મળી હતી.

તેની પહેલાં ઉત્તરપ્રદેશના નોઈડામાં એક રેલીને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એર સ્ટ્રાઈકના બહાને પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે પુલવામા હુમલો થયા પછી ભારતના વીરોએ શૌર્યનું જે કામ કર્યું છે, તેવું દસકાઓ સુધી થયું નથી. આપણાં વીરોએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને માર્યાં છે. હુમલા પછી પાકિસ્તાને સરહદ પર પુરી તૈયારી કરી લીધી હતી, પણ આપણે તેની ઉપરથી ગયાં હતાં, અને તેમણે એર સ્ટ્રાઈકની સાબિતી માગનારા સામે પણ નિશાન તાક્યું હતું.

ભારતે શનિવારે કહ્યું છે કે જો પાકિસ્તાન નવા વિચાર સાથેનું નવું પાકિસ્તાન હોવાનો દાવો કરે છે તેમણે તેમની ધરતી પર આતંકવાદીઓ અને તેમના સંગઠનો વિરુદ્ધ નવી કાર્યવાહી કરવી જોઈએ અને પાકિસ્તાને આતંકવાદને સમાપ્ત કરવો જોઈએ.