જોધપુર છે દેશનું સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન

નવી દિલ્હી – આ વર્ષ માટે દેશના સૌથી સ્વચ્છ, સાફ-સુથરા રેલવે સ્ટેશનનું બિરુદ રાજસ્થાનના જોધપુરે મેળવ્યું છે.

રેલવે મંત્રાલયે બહાર પાડેલા ‘સ્વચ્છતા સર્વે-2018’માં જોધપુર રેલવે સ્ટેશને ‘A-1’ કેટેગરીમાં પહેલો નંબર હાંસલ કર્યો છે.

બીજા નંબર પર રાજસ્થાનનું જ જયપુર શહેર છે અને ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશનું તિરુપતિ આવે છે, જે પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે.

સર્વેમાં, ‘A’ કેટેગરીમાં પણ રાજસ્થાન જ પહેલા નંબર પર છે. એનું મારવાડ સ્ટેશન ટોપ પર છે જ્યારે બીજા નંબરે ફુલેરા અને ત્રીજે વારાંગલ છે.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ વર્ષના રેટિંગ બહાર પાડતાં કહ્યું કે આ વર્ષે ટોપ રેન્કિંગમાં જોધપુર આવ્યું છે અને બીજા નંબરે જયપુર આવ્યું છે જે પર્યટનની દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ સ્ટેશન છે. હું રાજસ્થાનના લોકોને આ માટે અભિનંદન આપું છું.

રેલવે વહીવટીતંત્રે પ્રત્યેક ઝોનમાં સમયબદ્ધતા, સ્વચ્છતા અને કેટરિંગ સુવિધાઓ માટે સમીક્ષા કરી એને માટે નવા લક્ષ્ય નક્કી કર્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં ભારતીય રેલવેએ ‘સ્વચ્છ રેલ, સ્વચ્છ ભારત’ની જે ઝૂંબેશ ચલાવી છે તે અંતર્ગત સ્ટેશન પરિસર સ્વચ્છ હોય, એમાં વેઈટિંગ એરિયા, પ્લેટફોર્મ્સ, ટ્રેન, શૌચાલય, પાર્કિંગ જગ્યા વગેરેમાં પણ સ્વચ્છતા જાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.