રાજસ્થાન: જોધપુરમાં એરફોર્સનું મિગ-27 ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત

જોધપુર- રાજસ્થાનના જોધપુરમાં આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ભારતીય વાયુસેનાનું મિગ-27 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. ઉડાન ભર્યાના 15 મિનિટ બાદ વિમાનમાં આગ લાગી હતી. દુર્ઘટનામાં વિમાન સળગીને સંપુર્ણ નાશ પામ્યું છે. સદનસીબે પાયલટે એક્ઝિટ કરી દેતાં તેનો બચાવ થયો છે.આ દુર્ઘટના રાજસ્થાનના જોધપુરના દેવલિયા પાસે સર્જાઈ હતી. દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ ભારતીય વાયુસેનાના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. સદનસીબે પાયલટ સુરક્ષિત છે. પ્રાથમિક માહિતી મુજબ રુટીન ટ્રેનિંગ માટે વિમાને ઉડાન ભર્યાના 15 મિનિટ બાદ તેમાં ખામી સર્જાતા વિમાનમાં આગ લાગી હતી. અને વિમાન ક્રેશ થયું હતું.

વિમાન દુર્ઘટના બાદ ભારતીય વાયુસેના દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાન રુટીન ટ્રેનિંગ પર હતું. જે દરમિયાન તેમાં ખામી સર્જાતા ક્રેશ થયું છે. જોકે દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઈ હતી તે વિસ્તાર માનવ વસાહતથી દુર હોવાથી મોટી જાનહાની ટળી હતી. પ્લેન ક્રેશ થયા બાદ આસપાસના ગામના લોકો ભેગા થઈ ગયા હતા.